સેવા મેરા યોગદાન અભિયાન અંતર્ગત અરવલ્લી જિલ્લા આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ જિલ્લાના વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર રક્ત ઉપલબ્ધ થાય તેમજ નાગરિકોમાં સ્વૈચ્છિક રક્તદાન અંગે જાગૃતિ વધે તે આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ રહ્યો હતો.
આ અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જનાલી, વડાગામ અને ભેંસવાડા ખાતે યોજાયેલા રક્તદાન કેમ્પમાં આરોગ્ય કર્મચારીઓ તેમજ ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક સહભાગી બની સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું. ત્રણેય કેમ્પમાં કુલ ૪૯ રક્તદાતાઓએ ૧૭,૧૫૦ સી.સી. રક્ત એકત્રિત કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
રક્તદાતાઓના આ સેવાભાવી યોગદાનથી જરૂરિયાતમંદ દર્દીઓ માટે રક્તની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ સહયોગ મળ્યો છે. આ પ્રસંગે રક્તદાન મહાદાનનો સંદેશ આપવામાં આવ્યો હતો. એક યુનિટ રક્ત જરૂરિયાતમંદ દર્દી માટે જીવનદાયી બની શકે છે ત્યારે સ્વૈચ્છિક રક્તદાન માનવસેવાનું ઉમદા માધ્યમ છે.જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાના નાગરિકોને પણ સ્વૈચ્છિક રક્તદાન માટે આગળ આવી સેવા મેરા યોગદાન અભિયાનમાં સહભાગી બનવા અપીલ કરવામાં આવી છે.





