મંત્રી રમણ સોલંકીની ઉપસ્થિતિમાં વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામાં આવ્યું
વડાપ્રધાન અને રાષ્ટ્રીય અધ્યક્ષના વર્ચ્યુઅલ સંબોધન બાદ મશાલ રેલી યોજાઈ
અરવલ્લી જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ સભા અને સેવા જ્યોતિ યાત્રા-૨૦૨૬ અંતર્ગત ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મંત્રી તથા અરવલ્લી જિલ્લાના પ્રભારી મંત્રી રમણ સોલંકીની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.
અરવલ્લી જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી ઉપસ્થિત વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને કેન્દ્ર તથા રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. મંત્રી રમણ સોલંકીએ લાભાર્થીઓને અભિનંદન પાઠવતાં વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા સરકારની જનકલ્યાણલક્ષી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે સૌના સહયોગની અપીલ કરી હતી.
આ પ્રસંગે રાષ્ટ્રીય અધ્યક્ષ તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનુ વર્ચ્યુઅલ સંબોધન ઉપસ્થિત સૌએ નિહાળ્યું અને સાંભળ્યું હતું. તેમના સંબોધનથી ઉપસ્થિત નાગરિકો તથા કાર્યકરોમાં ઉત્સાહ અને નવી ઊર્જાનો સંચાર થયો હતો. સેવા જ્યોતિ યાત્રા દ્વારા સેવા, સંકલ્પ અને રાષ્ટ્રનિર્માણનો સંદેશ જન-જન સુધી પહોંચાડવાનો ઉદ્દેશ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમના અંતે સભાસ્થળથી ઉમિયા મંદિર, મોડાસા સુધી મશાલ સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મશાલ યાત્રામાં મોટી સંખ્યામાં યુવાનો, કાર્યકરો અને નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. મશાલની જ્યોતિ દ્વારા સેવા, વિકાસ અને રાષ્ટ્રનિર્માણના સંકલ્પને વધુ પ્રબળ બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
સમગ્ર કાર્યક્રમમાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, જિલ્લા પોલીસ તંત્રના અધિકારીઓ, ધારાસભ્યો, નગરપાલિકા પ્રમુખ, સંગઠનના પ્રતિનિધિઓ, કાર્યકરો તથા સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના માધ્યમથી વિકસિત ભારતના સંકલ્પ સાથે જનભાગીદારી અને સેવાભાવનાને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.





