અરવલ્લી : નેસડાની મહિલાએ બે વર્ષની પુત્રી સાથે કૂવામાં ઝંપલાવ્યું માતા-પુત્રીનાં મોત : હત્યા કે આત્મહત્યા…!!
મેઘરજ તાલુકાના નેસડા ગામે મંગળવારની રાત્રે ૨૪ વર્ષીય મહિલાએ પોતાની બે વર્ષની પુત્રી સાથે કૂવામાં ઝંપલાવતાં બંનેનાં મોત નીપજ્યાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી બંને મૃતદેહોને કૂવામાંથી બહાર કાઢ્યા હતા.
મળતી માહિતી મુજબ, માલપુર તાલુકાના એક ગામની સીમાબેનનાં આશરે ચાર વર્ષ અગાઉ સમાજના રીતરિવાજ મુજબ મેઘરજના નેસડા ગામના મહેશ ડામોર સાથે લગ્ન થયા હતા. મંગળવાર રાત્રે અગમ્ય કારણોસર સીમાબેન અને તેમની બે વર્ષની પુત્રી કૂવામાં પડી ગયાં હતાં. બુધવારની સવારે બંનેના મૃતદેહ કૂવાના પાણીમાં નજરે પડતાં સ્થાનિકોએ પોલીસ તથા ફાયર બ્રિગેડને જાણ કરી હતી.
પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી બંને મૃતદેહોને કૂવામાંથી બહાર કાઢ્યા હતા. બનાવ અંગે મહિલાના પિયરીયાઓને જાણ થતાં તેઓ પણ નેસડા ગામે દોડી આવ્યા હતા અને મહિલાના મોત અંગે આક્ષેપો સાથે હોબાળો મચાવ્યો હતો.
પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે મેઘરજ ખસેડવાની કાર્યવાહી હાથ ધરી છે. હાલ માતા-પુત્રીનાં મોત પાછળનું ચોક્કસ કારણ સ્પષ્ટ થયું નથી. હત્યા કે આત્મહત્યા તે અંગેનું રહસ્ય પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.





