38 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત સાબરકાંઠા : પોશીનાના પાંચ સખી મંડળની 54 બહેનોએ સિડ બોલ થકી પર્યાવરણ...

સાબરકાંઠા : પોશીનાના પાંચ સખી મંડળની 54 બહેનોએ સિડ બોલ થકી પર્યાવરણ શુદ્ધીનો યજ્ઞ આદર્યો

0
161

૨૮ દિવસમાં રેકોર્ડ બ્રેક 2.70 લાખ સિડ બોલ બનાવી આર્થિક ઉપાર્જન કર્યું

આવકની સાથે સાથે કુદરતની સેવા થતી હોય તો બીજુ શું જોઇએ? – સુશિલાબેન ડાભી

સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકો બહુધા આદિજાતિ વસ્તી ધરાવતો તાલુકા છે.આ વિસ્તારમાં વૃક્ષારોપણનો વ્યાપ વધે અને પોશીના તાલુકો હરીયાળો બને તે માટે દંત્રાલ ગામે મિશન મંગલમ્ અને મનરેગા યોજનાના કન્વર્ઝનથી પાંચ સખી મંડળની 54 બહેનો દ્રારા 2.70 લાખ સીડ બોલ બનાવાનુ ભગીરથ કાર્ય પાર પાડવામાં આવ્યું. “ગ્રીન પોશીના કોન્સેપ્ટ” માટે બહેનોએ 28 દિવસમાં સીડ બોલ બનાવવાની કામગીરી પૂર્ણ કરી બોળા ડુંગરોને હરીયાળા કરવાની નવતર પહેલ કરી છે દંત્રાલની આદિજાતી બહેનોએ.

સુશિલાબેન ડાભી જણાવે છે કે, દંત્રાલના પાંચ સખી મંડળો સાબરમતી સખી મંડળ, મહેશ્વરી સ્વ-સહાય જૂથ, ભુમિકા સખી મંડળ, ઘોગા સખી મંડળ, ચેતેશ્વર સ્વ સહાય જૂથ મળી 54 બેહેનોએ મનરેગા અંતર્ગત 28 દિવસમાં 2.70 લાખ સીડ બોલ બનાવ્યા છે. આ સીડ બોલ બનાવવા સ્થાનિક માટી, છાણીયુ ખાતર અને બીજનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બહેનોને દિવસના રૂ. 230/- લેખે 28 દિવસમાં રૂ.6.440 વેતન એક બહેનને ચૂકવવામાં આવ્યું હતું. આવકની સાથે સાથે અમે પર્યાવરણની સેવા અને કુદરતનું જતન કરતા હોવાનો આત્મ સંતોષ પણ અનુભવીએ છીએ. હાલમાં પડાપાટના ડુંગર વિસ્તારોમાં આ સીડબોલ વાવવાની શરૂઆત કરવામાં આવી છે. જેથી વરસાદની શરૂઆત થતા જ આ બીજ અંકુરીત થઈ વૃક્ષ બનવાની સફર શરૂ કરી શકે.

વધુમાં જણાવે છે કે, આદિજાતી વસ્તી કુદરતના ખુબ જ નજીક રહી ને જીવે છે. અમે અમારી આવનારી પેઢીઓને હરીયાળુ અને સ્વચ્છ પર્યાવરણ આપવા માંગીએ છીએ. વૃક્ષો માત્ર મનુષ્યો માટે નહી પરંતુ જીવ જંતુઓ, પક્ષી- પશુઓ તમામનુ જીવન છે. વૃક્ષો પ્રાણ વાયુ આપે છે તેથી વૃક્ષોની જરૂરીયાત કોરોના સમયમાં સૌ કોઇને સમજાઇ છે. આજે આ વિસ્તારમાં જે સીડ બોલ અમે વાવી રહ્યા છીએ તેનું જતન કરી આવતા વર્ષ સુધીમાં આ વિસ્તાર હરીયાળો બનશે.

આ અભિયાન થકી સીતાફળ, આંબલી, આમળા, સરગવો, ખાખરો, સેવન, ખેર, ગુલમહોર આમ સ્થાનિક વાતાવરણને અનુકૂળ વૃક્ષોનું વાવેતર કરી સ્થાનિક લોકોને રોજગારી મળે અને પોશીના વિસ્તારમાં હરીયાળી વધે તે ઉદ્દેશ્યથી “ગ્રીન પોશીના” અભિયાનની શરૂઆત કરાવવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!