એક સપ્તાહમાં સખી મંડળના 50 સ્ટોલે ₹ 8.19 લાખથી વધુની કમાણી કરી
14,000 થી વધુ મુલાકાતીઓ વંદે ગુજરાતના પ્રદર્શનને નિહાળ્યું
સાબરકાંઠાના હિંમતનગર ખાતે ‘વંદે ગુજરાત 20 વર્ષનો સાથ 20 વર્ષનો વિશ્વાસ’ અંતર્ગત પ્રાદેશીક મેળો યોજાયો હતો. આ મેળો તા. 8 થી 14 જૂન દરમિયાન સખી મંડળો દ્વારા ઉત્પાદિત વસ્તુઓના વેચાણ માટે આયોજીત કરવામાં આવ્યો હતો.
હિંમતનગર ખાતે જિલ્લાકક્ષાના પ્રાદેશિક મેળામાં 50 જેટલા સ્ટોલ દ્રારા 52 જેટલા સખી મંડળો દ્રારા નિર્મિત અવનવી વસ્તુઓનું વેચાણ કરવામાં આવ્યું હતું. સાત દિવસ દરમિયાન 14,861 મુલાકાતીઓએ આ મેળાની મુલાકાત લઇ વંદે ગુજરાતના પ્રદર્શનને નિહાળ્યું અને ₹ 8,19,205 રૂપિયાનો માલ સામાન ખરીદ્યો હતો. મહિલા મંડળ દ્વારા ઉત્પાદિત માલ સામાનને યોગ્ય બજાર મળી રહે તે ઉદ્દેશથી આ મેળાનું આયોજન કરવામાં આવે છે.
સલાલના વનીતાબેન જણાવે છે કે, તેઓ સરકાર દ્વારા આયોજિત આવા સખીમંડળના મેળાઓમાં અવારનવાર જાય છે અને પોતાનો માલસામાન વેચે છે તેમને આ મેળાઓ થકી સીધા ગ્રાહકો સાથે સંપર્ક વધવાથી તેમની આવકમાં વધારો થાય છે અને મંડળની અન્ય બહેનો ને રોજગારી પૂરી પાડવામાં મદદરૂપ થાય છે.
નીતાબેન ગ્રાહક જણાવે છે કે આ મેળામાં એમણે ઘણી બધી અવનવી વેરાઈટી જોવા મળી છે અને ખરીદવા મળી છે. મહિલાઓ દ્વારા પોતાના ઇનોવેટિવ વિચારો થકી ઉત્પાદિત સામાન ખરીદતા મહિલા તરીકે ગૌરવ અનુભવું છું. આવા મેળાઓ થકી મહિલાઓને રોજગારી તો મળશે જ સાથે આત્મનિર્ભર ભારતનું વડાપ્રધાનનું સપનુ પણ પુરૂ થશે. તેઓ વહીવટીતંત્રને સરકારને આ રીતેના પ્રાદેશિક મેળાઓ યોજવા અનુરોધ કરે છે.
આ મેળાના સમાપન પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી શાહ હાજર રહી મહિલાઓનો ઉત્સાહ વધાર્યો હતો તેમજ સખી મંડળની બહેનોને પ્રોત્સાહિત કરવા માટે પ્રમાણપત્રો એનાયત કર્યા હતા. આ પ્રસંગે ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી કલ્પેશ પાટીદાર મહિલાઓને વધુ સારી રીતે આગળ વધવા અને આવા મેળાઓ થકી પોતાને આત્મનિર્ભર કરવા પ્રોત્સાહિત કર્યા હતા





