33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home Uncategorized પોઝિટિવ રીસ્પોન્સ : આપણે આપણા સંતાનોને બેકારીની લાઇનમાં તો ઊભા નથી રાખતાને?

પોઝિટિવ રીસ્પોન્સ : આપણે આપણા સંતાનોને બેકારીની લાઇનમાં તો ઊભા નથી રાખતાને?

0
493

 સંતોષ દેવકર

ઘણી બધી વેબ સાઇટ હોવા છતાં જોઇએ તેવી માહિતીનો અભાવ વર્તાય છે

 બોર્ડ રિઝલ્ટ આવતા,વાલીઓની મૂંઝવણ વધી જાય છે કઈ લાઇન પસંદ કરવી ?

 

‘લો,રિઝલ્ટ આવી ગયુ.’

‘હવે પ્રશ્ન એ છે કે કઇ લાઇન લેવી?’

‘સિમ્પલ, જેમાં રસ પડતો હોય તે’

‘હા, તમારી વાત સાચી; પણ લાઇન વિશેની જાણકારી આપે કોણ?’

જે ઘરમાં ધોરણ બારનું રિઝલ્ટ આવ્યું હોય તે ઘરના સભ્યોની મનોદશા એકસરખી હોય છે. વર્ષોથી પરીક્ષા લેવાય છે, વર્ષોથી પરિણામ જાહેર થાય છે અને વર્ષોથી મહિતી ખાતુ રાબેતામુજબ એક પુસ્તિકા બહાર પાડી દે છે. છતા વાલીની સમસ્યાતો હતી તેવીને તેવી જ. ઉલટાની સમસ્યા વધુ વકરી છે. એજ દોડાદોડી,એજ અજમ્પો અને એજ મૂંઝવણ.

વિદ્યાર્થીનો પ્રશ્ન તો ઊભો જ કે કઇ લાઇન લેવી? કયા ક્ષેત્રમાં આગળ વધવું? શું આપણે ત્યાં પ્રોપર  કેરિયર ગાઇડન્સનો સદંતર અભાવ વર્તાય છે? કેરિયર અંગે માર્ગદર્શન આપતી સંસ્થાઓ કેટલી?

પોતે ઓફર કરેલા કોર્સ જ શ્રેષ્ઠ છે એ સાબિત કરવા અને એડમિશન મેળવવા દરેક કોલેજ મરણિયા પ્રયાસ કરતી રહે છે. દોડાદોડી કરતા અને મૂંઝવણ અનુભવતા માબાપનું દૃશ્ય પરંપરાગત કોઇપણ જાતના ફેરફાર વગર પરાપૂર્વથી ચાલતું આવ્યું છે. વિદ્યાર્થીઓ ઘણેભાગે મિત્રો કે આડોશી પાડોશીના પગલે ચાલવાનું પસંદ કરતા હોય છે. નક્કર વિચારણા તેમજ સમજી વિચારીને લાઇન પસંદ કરવાને બદલે દેખાદેખીથી લેવાતા નિર્ણયોની સંખ્યા વધુ હોય છે. એમાં વિદ્યાર્થીના રસ ,રુચિ ,ગમા અણગમાનો છેદ ઉડે છે.પરિણામે બેકારીની સમસ્યા વકરે છે. વિદ્યાર્થીની ક્ષેત્ર પસંદગી અને બેકારીને સીધો સંબંધ છે.

વ્યાવસાયિક માર્ગદર્શનનો અઠવાડિક તાસ ગુજરાતની તમામ શાળાઓમાં ગોઠવાવો જોઇએ

ભવિષ્યમાં કઈ નોકરી અને કયો વ્યવસાય એ બાબતે પૂરતુ માર્ગદર્શન વિદ્યાર્થીઓને મળવું જોઈએ. બાર ધોરણ સુધીમા તો વિદ્યાર્થી પોતાના કેરિયર માટે નિશ્ચિત અને આત્મવિશ્વાસુ બની જવો જોઈએ.

કારકિર્દી ઘડતર પ્રક્રિયામા ખોટી ઉતાવળ ,ઓછી જાણકારી તેમજ એકજ પાસા તરફનુ આકર્ષણ જેવી બાબતોથી નુકસાન થઇ શકે છે.પસંદ કરેલ ક્ષેત્ર પર નિર્ણય લેતા પહેલા વિદ્યાર્થીઓ માતા પિતાના સ્વપ્નોને પ્રાથમિકતા આપવા અંગે માનસિક  તાણ અનુભવતા હોય છે. સમગ્ર જીવન અસર પામતુ હોય  ત્યારે તમામ પાસા ચકાસાયેલા હોય તે આવશ્યક છે. આવડત,રસ,રુચિ,શોખ,તેમજ કુટુંબની આર્થિક સ્થિતિ ધ્યાનમા રાખીને કારકિર્દીનુ ક્ષેત્ર પસંદ કરવુ પડે.

હવે તો સર્ચિંગ યુગ ચાલે છે. જેના વિશે જાણવું હોય જ્યા અભ્યાસ કરવાની ઇચ્છા હોય તે સંસ્થાની ઉપલબ્ધ બેઠકો, સ્ટાફ, અભ્યાસક્રમ,વિડીઓ અને લોકેશન સહિતની તમામ માહિતી એક જ ક્લિકમાં મળી શકે છે .

કૌશલ અને શિક્ષણ બે અલગ બાબત છે એમ આજના શિક્ષણ પરથી કહી શકાય. શિક્ષણ અને કૌશલને જીવન સાથે જોડવા માટે ગાંધીજી ખુબ મથ્યા. ગાંધી કહેતા કે શાળાંત પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થી કોઇપણ એક કૌશલમા પારંગત હોવો ઘટે. તેમનો આ આગ્રહ સાચો અને ઉપયોગી હતો. બેકારીની સમસ્યા હલ કરનારો હતો. ‘પાયાની કેળવણી’ પુસ્તકમાં ગાંધીજી લખે છે કે વિદ્યાર્થી નિશાળ છોડીને જાય ત્યારે તેનામાં કંઈક કમાવવાની શક્તિ આવેલી હોવી જોઈએ. આમ કરીને તમે કેળવણી આપવાની સાથે સાથે બેકારીના મૂળ પર ઘા કરો છો. તમારે વિદ્યાર્થીઓને એક યા બીજા ધંધાની તાલીમ આપવી જ રહી. પોઝિટિવ રિસ્પોંસ –ડો.સંતોષ દેવકર

મિસરી

ચહેરા પાછળ ચહેરો છે તે ધારવાનું શીખું છું,

મારા મનને ભીતરથી નિખારવાનું શીખું છું.

વળગણની બુકાની તારી છોડે કે ના છોડે તું,

એવા બંધન તોડીને વિચારવાનું શીખું છું.

                                         નૈષધ મકવાણા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!