અરવલ્લી જિલ્લાની હરિયાળી ગિરિમાળાઓ વચ્ચે વસેલા શામળિયા ભગવાનના નયનરમ્ય મંદિર ખાતે લાઇટ અને સાઉન્ડ શોનું લોકાર્પણ કરવામાં આવ્યું. રાજ્યના પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરા ના હસ્તે લાઇટ એન્ડ સાઉન્ડ શો, જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
રૂ. ૬ કરોડ ૫૦ લાખના ખર્ચે તૈયાર થયેલ આ લાઇટ એન્ડ સાઉન્ડ શો સમગ્ર ગુજરાતનો સૌપ્રથમ સોલર એનર્જીથી સંચાલિત શો છે. ભગવાન વિષ્ણુની વિવિધ લીલાઓ અને કથાઓ સાથે જોડાયેલ આ લાઇટ એન્ડ સાઉન્ડ શો 3D પ્રોજેક્શન મેપિંગ ટેકનોલોજી પર આધારિત છે. વાઇબ્રન્ટ કલર અને હાઈ ક્વોલિટી સાઉન્ડ આધારિત શો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. આવતીકાલથી દરરોજ સાંજે ૬.૪૫ કલાકે આ શો તમામ યાત્રિકોને વિનામૂલ્યે બતાવવામાં આવશે.
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા રાજ્યના વિવિધ યાત્રાધામોના વિકાસના કામો હાથ ધરવામાં આવે છે. ગુજરાત રાજ્ય સમૃદ્ધ યાત્રાધામો ધરાવતી ધરા છે. તેમાં શ્રેષ્ઠ અને મહત્વના યાત્રાધામ જેવા કે, સોમનાથ, અંબાજી, દ્વારકા, ગીરનાર, બહુચરાજી, ડાકોર, પાલીતાણા, શામળાજી વગેરે આવેલ છે. દરેક મંદિર વિશિષ્ટ ધાર્મિક અને સંસ્કૃતિક મહત્વ ધરાવે છે. જેની ઐતિહાસિક માહિતી સરળ અને સહજ રીતે મનોરંજનના માધ્યમ દ્વારા ઉપલબ્ધ થઇ શકે તેમજ દરેક યાત્રાળુઓને ટેકનોલોજીના માધ્યમથી એક વિશિષ્ટ અનુભૂતિ મળી રહે તે માટે રાજ્યના “શામળાજી” યાત્રાધામ ખાતે રાજ્યના યાત્રાધામો ખાતે લાઈટ એન્ડ સાઉન્ડ શોનું આયોજન કરવામાં આવી રહેલ છે. આ સંપૂર્ણ પ્રોજેક્ટ સોલાર દ્વારા સંચાલિત છે. આ લાઇટ એન્ડ શોને કારણે બહારથી આવતા યાત્રિકોને ભગવાન શામળિયાની કથાઓ સરળતાથી અને આકર્ષક રીતે જાણવા મળશે.
આજના કાર્યક્રમમાં લોકોને સંબોધતા મંત્રી ભિખૂસિંહ પરમારએ જણાવ્યું કે આજે જે લાઇટ એન્ડ સાઉન્ડ શોનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે જેના થકી ગુજરાત, રાજ્સ્થાન અને અન્ય રાજ્યથી આવતા ભાવિભક્તોને આ શોનો લાભ મળશે.યાત્રાધામો વિકસિત કરવા અંગે સરકાર પ્રતિબદ્ધ છે. આગામી સમયમાં શામળાજી ખાતે ભવન બનાવવા અંગે પણ પોતાના વિચારો રજૂ કર્યા.
આજના લોકાર્પણ કાર્યક્રમમાં લોકોને સંબોધન કરતા મંત્રી મુળુભાઇ બેરાએ જણાવ્યું કે પવિત્ર યાત્રાધામના વિકાસ માટે સરકારે સતત કામગીરી કરી છે. યાત્રાધામો અને હેરિટેજ સ્થળો પર આવતા પ્રવાસીઓ રોકાઈને મજા માણી શકે તે માટે વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. આજના પ્રધાનમંત્રી અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીના પ્રયાસોથી ગુજરાતના પ્રવાસન સ્થળોની વિકાસની ગતિને વેગ મળ્યો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલએ આ વિકાસની ગતિને જાળવી રાખી છે. સરકારના સતત પ્રયાસોથી ગુજરાત દેશ-વિદેશના પ્રવાસીઓને આકર્ષવામાં સફળ રહ્યા છે. સરકાર સુવિધાઓ પુરીપાડે છે તો આ સ્થળોની સફાઈ જાળવવામાં મદદરૂપ થવા લોકોને પણ વિનંતી કરી.
આજના કાર્યક્રમમાં જિલ્લાના લોકલાડીલા અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર, ધારાસભ્ય પી. સી. બરંડા, ધાસાસભ્ય ધવલસિંહ ઝાલા, જિલ્લા કલેકટર પ્રશસ્તિ પરીક, જિલ્લા વિકાસ અધિકારી દિપેશ કેડિયા, શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટના આગેવાનો, જિલ્લા વહિવટી તંત્રના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.