પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી આવાસ યોજના- ગ્રામીણ હેઠળ મધ્યપ્રદેશમાં બાંધવામાં આવેલા 5 લાખ 21 હજાર ઘરના ‘ગૃહ પ્રવેશ’ સમારોહમાં વર્ચ્યુઅલ હાજરી આપી હતી. પ્રધાનમંત્રીએ લાભાર્થીઓને સંબોધિત કરતાં જણાવ્યું કે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગામડાઓમાં બનેલા મકાનો માત્ર ઘરો નથી પરંતુ દેશના ગરીબો સશક્ત બની રહ્યા છે તેનો પુરાવો છે. એકવાર ગરીબો સશક્ત થઈ જશે તો તેઓમાં ગરીબી સામે લડવાની હિંમત આવશે. પ્રામાણિક સરકારના પ્રયાસો અને મજબૂત ગરીબોના પ્રયાસો એકસાથે આવશે ત્યારે ગરીબીનો પરાજય થશે, એમ તેમણે ઉમેર્યું હતું.
પીએમ મોદીએ કહ્યું કે ગરીબોને પાકાં મકાનો આપવાનું અભિયાન માત્ર સરકારી યોજના નથી, પરંતુ ગ્રામીણો અને ગરીબોમાં વિશ્વાસ કેળવવાની પ્રતિબદ્ધતા છે. દેશમાં પીએમ આવાસ યોજના હેઠળ બનેલા મકાનોમાંથી મહિલાઓ પાસે લગભગ બે કરોડ મકાનોનો માલિકી હક્ક છે. આ માલિકીના કારણે ઘરના અન્ય આર્થિક નિર્ણયોમાં મહિલાઓની ભાગીદારી વધુ મજબૂત બની છે. તેમણે વધુમાં જણાવ્યું કે મહિલાઓની સમસ્યાઓને હળવી કરવા માટે સરકારે દરેક ઘરમાં પીવાનું પાણી પહોંચાડવાની પણ પહેલ કરી છે. આ યોજના હેઠળ છેલ્લા અઢી વર્ષમાં 6 કરોડથી વધુ પરિવારોને પીવાના શુદ્ધ પાણીનાં જોડાણો મળ્યા છે.





