અરવલ્લી જિલ્લામાં અંધશ્રદ્ધાનો ખેલ હવે તમાશો બની ગયો હોય તેવું લાગે છે. બાયડ તાલુકામાં આવી જ એક ઘટના સામે આવી છે. બાયડ તાલુકાના મોટા લાલપુર ગામે ગત 10 તારીખના રોજ થી મહિલાએ ઘર છોડી દીધું હતું, કારણ કે, તેની ઉપર મહિલાના જ સ્વજનો વહેમ રાખતા હતા કે, તું ડાકણ છે. મહિલાને જુએ તો તેની સામેથી નજર ફેરવી દેતા હતા, મહિલા પર તલવારથી તેમના નજીકના સ્વજનો હુમલો કરતા હોવાનો આક્ષેપ મહિલાએ કર્યો હતો. દસ દસ દિવસથી મહિલા ઘરથી દૂર પોતાનો જીવ બચાવવા આમ-તેમ ભટકતી હતી. મહિલાના પતિ દમણ ખાતે મજૂરી કરે છે, અને પત્નિની સંપર્ક નહીં થતાં, ધીરે-ધીરે મહિલાના ભાળ મળતા મહિલા સુધી સામાજિક કાર્યકરો પહોંચ્યા હતા.
ભારે જહેમત ઉઠાવી મહિલા સુધી સામાજિક કાર્યકરો પહોંચ્યા હતા અને મહિલાન નજીકથી પસાર થતીં કેનાલ પાસેથી મળી આવી હતી. મહિલાને સાથે રાખીને સામાજિક કાર્યકર મોડાસા કલેક્ટર કચેરી અને પોલિસ વડા કચેરી ખાતે પહોંચ્યા હતા, જ્યાં પોલિસ વડાને રજૂઆત કરી હતી. મહિલાનું કહેવું હતું કે, તેમના કેટલાક સ્વજનો ગામમાં વાત ફેલાવી રહ્યા છે કે, તે ડાકણ છે, જેને લઇને સામાજિક રીતે ઘણું સહન કરવાનો વારો આવ્યો છે. આ અંગે મહિલા પોલિસ વડાને રજૂઆત કરતા જણાવ્યું કે, આ પહેલા બાયડ પોલિસ મથકે પણ રજૂઆત કરી હતી, જોકે કોઈ જ કાર્યવાહી ન થઈ હોવાનું જણાવતા, ઈન્ચાર્જ પોલિસ વડા સંજયકુમાર કેશવાલાએ તાત્કાલિક સંબંધિત વિભાગને જાણ કરી હતી.
23 એપ્રિલના રોજ પણ મહિલા સાથે આવનાર સામાજિક કાર્યકરનો સંપર્ક કરતા મહિલા હજુ ઘરે જઈ શકી નથી. મહિલા એટલી હદે પીડાઈ રહી છે અને ડરી ગઈ છે કે, નજીકની કેનાલ નજીક આંબા નીચે રહેવા માટે મજબૂર બની છે. હવે આ બાબતે અરવલ્લી જિલ્લા પોલિસ શું કાર્યવાહી કરે છે, તે જોવું રહ્યું. મહિલાને ન્યાય મળે છે કે, પછી મહિલાએ દુ:ખ સહન કરવું પડશે, તે સવાલ છે.





