ગ્રામ્ય વિકાસ, મહિલા સશક્તિકરણ અને જનકલ્યાણના સંકલ્પ સાથે સંગઠન કરશે કામગીરી
અરવલ્લી:ગુજરાત પ્રદેશ પંચાયતી રાજ ગ્રામ પ્રધાન સંગઠન (PRGPS)ના અરવલ્લી જિલ્લા પ્રમુખ તરીકે રાકેશભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી છે. સંગઠન દ્વારા 8 જુલાઈ, 2026ના રોજ જારી કરાયેલા નિયુક્તિ પત્ર મુજબ રાષ્ટ્રીય અધ્યક્ષ દયારામ રાયની મંજૂરી તેમજ રાષ્ટ્રીય સંરક્ષક બાબુભાઈ ઈશ્વરભાઈ પટેલની ભલામણના આધારે કાર્યકારિણીની બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ આ નિમણૂક કરવામાં આવી છે.
સંગઠને જણાવ્યું છે કે ગ્રામ્ય વિસ્તારોના સર્વાંગી વિકાસ, પંચાયતી રાજ વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા અને જનહિતના વિવિધ કાર્યોને પ્રાથમિકતા આપીને કામગીરી કરવામાં આવશે.
સંગઠનના મુખ્ય ઉદ્દેશો
• પંચાયતી રાજ વ્યવસ્થાનો અસરકારક અમલ સુનિશ્ચિત કરવા પ્રયાસ કરવો.
• ગ્રામ્ય વિસ્તારોમાં લોકઉપયોગી સુવિધાઓનું સર્જન અને વિકાસ કરવો.
• ગામડાઓના સર્વાંગી વિકાસ માટે વિવિધ વિકાસલક્ષી યોજનાઓ અને કાર્યો હાથ ધરવા.
• મહિલા સશક્તિકરણ માટે મહિલા સહાયતા કેન્દ્રોની સ્થાપના કરવી.
• પીડિત, શોષિત અને પરેશાન મહિલાઓને કાનૂની, સામાજિક તથા જરૂરી તમામ પ્રકારની સહાય પૂરી પાડવી.
• અંધ, બહેરા, મૂંગા અને શારીરિક દિવ્યાંગ વ્યક્તિઓના પુનર્વસન તથા કલ્યાણ માટે કામગીરી કરવી.
• કોમ્યુનિટી હોલ, લગ્ન પ્રસંગ હોલ, વૃદ્ધાશ્રમ, મહિલા આશ્રમ, હેલ્થ કેર સેન્ટર, સંગીતાલય, નૃત્યાલય, અનાથાલય, જાહેર શૌચાલય, બાલવાડી, આંગણવાડી, પરબ, લાઇબ્રેરી, ડિસ્પેન્સરી, હોસ્પિટલ, સ્ટેડિયમ, સ્ટુડિયો અને રાત્રિ રોકાણ જેવી લોકઉપયોગી સુવિધાઓનું નિર્માણ અને સંચાલન કરવું.
• જનહિત માટે જરૂરી વિવિધ લોકઉપયોગી વ્યવસ્થાઓ ઉભી કરવી અને તેનું સંવર્ધન કરવું.
• ગ્રામ પંચાયતોના સરપંચો તથા પંચાયતના પ્રતિનિધિઓ સાથે સંકલન કરીને વિકાસલક્ષી અને જનકલ્યાણના કાર્યોને ગતિ આપવી.
સંગઠનનો સંકલ્પ
સંગઠનનો મુખ્ય સંકલ્પ ગ્રામ્ય વિકાસ, મહિલા સશક્તિકરણ, સામાજિક ન્યાય, દિવ્યાંગ કલ્યાણ અને સર્વાંગી જનકલ્યાણ માટે સર્વના સહયોગથી કાર્ય કરીને સમૃદ્ધ, સ્વાવલંબી અને વિકસિત ગામડાઓનું નિર્માણ કરવાનો છે. રાકેશભાઈ પટેલની જિલ્લા પ્રમુખ તરીકેની નિમણૂક બાદ અરવલ્લી જિલ્લામાં સંગઠનની વિવિધ જનકલ્યાણકારી પ્રવૃત્તિઓને વધુ વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.






