મોડાસા ના ધુણાઈ રોડ પર રીપેરિંગ બાદ પણ જાળી 1થી 1.5 ઈંચ નીચે બેસી, વાહનચાલકો માટે અકસ્માતનું જોખમ, જવાબદાર કોણ?
અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરમાં સીસી રોડને કામગીરી પૂરજોસમાં ચાલી રહી છે અલગ અલગ વિસ્તારોમાં હાલમાં જ રોડ બનાવવામાં આવ્યા હતા. કેટલાક રોડ તો જાપાની ટેકનોલોજીને પણ ટક્કર મારે તેવા છે. તેનું એક ઉત્તમ ઉદાહરણ મોડાસા ચાર રસ્તા થી પોસ્ટ ઓફિસ સુધીનું છે. અહીં ઝૂણવટભરી કામગીરી કરીને રૉડ બનાવાયો છે. રોડ એટલો ચકાચક બનાવવામાં આવ્યો છે કે, તમે જોશો, તો તમારી આંખો પણ શરમથી પલકારા મારશે.
આ સાથે જ મોડાસા શહેરમાં વિવિધ વિસ્તારોમાં બનાવવામાં આવેલા CC રોડ પર વરસાદી પાણીના નિકાલ માટે લગાવવામાં આવેલી કૉન્ક્રીટની જાળીની ગુણવત્તા સામે સવાલો ઉઠી રહ્યા છે. ધુણાઈ રોડ પર તાજેતરમાં જ, એટલે કે, શનિવારની આસપાસ સીસી રૉડના રીપેરિંગ કામગીરી કરવામાં આવી હોવા છતાં, જાળી આસપાસનો ભાગ અંદાજે 1થી 1.5 ઈંચ જેટલો નીચે બેસી ગયો હોવાનું જોવા મળી રહ્યું છે.
જાળી નીચે ઉતરી જવાથી પસાર થતા બાઈકચાલકો અને અન્ય વાહનચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. ખાસ કરીને રાત્રિના સમયે અથવા વરસાદ દરમિયાન આવી ખામી દેખાતી ન હોવાથી ગંભીર અકસ્માત સર્જાઈ શકે તેવી સ્થાનિકોમાં આશંકા વ્યક્ત થઈ રહી છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ શહેરના અનેક વિસ્તારોમાં પણ આવી જ કૉન્ક્રીટ જાળીઓ ટૂંકા સમયમાં તૂટી જવા, બેસી જવા અથવા તેની આસપાસના CC રોડમાં તિરાડો પડવાની ફરિયાદો સામે આવી રહી છે. જેના કારણે બાંધકામની ગુણવત્તા અંગે અનેક પ્રશ્નો ઊભા થયા છે. પ્રશ્ન એ પણ ઉઠી રહ્યો છે કે જો રીપેરિંગ કર્યા બાદ પણ જાળી થોડા જ સમયમાં નીચે બેસી જાય, તો કામની ગુણવત્તાની ચકાસણી કોણ કરે છે? જો આવી ખામીને કારણે કોઈ વાહનચાલક અકસ્માતનો ભોગ બને, તો તેની જવાબદારી કોની રહેશે?
શહેરમાં લાખો-કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા CC રોડ અને સ્ટોર્મ વોટર ડ્રેનેજની જાળીઓની ગુણવત્તાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને જ્યાં ખામી હોય ત્યાં તાત્કાલિક યોગ્ય સમારકામ કરવામાં આવે તેવી માંગ સ્થાનિક નાગરિકોમાં ઉઠી રહી છે.






