મોડાસા શહેરના મેઘરજ રોડ પર નવનિર્મિત ઉમિયા પ્રવેશ દ્વાર પાસે બેફામ સ્પીડે પસાર થતી તુફાન જીપે રોડ પરથી પસાર થતી બે એક્ટિવાને જોરદાર ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જ્યો હતો એક એક્ટીવા તુફાન ગાડીની નીચે ઘૂસી ગઈ હતી જોકે, આ ભયાનક ટક્કર છતાં સદનસીબે બંને એક્ટિવા ચાલકોનો આબાદ બચાવ થયો હતો તુફાન જીપમાં દેશી દારૂની પોટલીઓ મળી આવતા લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો અકસ્માતના પગલે પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ફરાર જીપ ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા
મોડાસાના મેઘરજ રોડ પર તુફાન જીપે બે એક્ટિવાને ધડાકાભેર અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અકસ્માતના બાદ લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા જીપમાંથી દેશી દારૂની પોટલીઓ મળી આવતા અને જીપની નંબર પ્લેટ પર સફેદ પટ્ટી ચોંટાડી તેની ઉપર ડુપ્લીકેટ નંબર લખેલો જોવા મળતા લોકોએ જીપમાં દારૂની હેરાફેરી કરવામાં આવતી હોવાની આશંકા વ્યક્ત કરી હતી અકસ્માત સર્જી બુટલેગર જીપ નધણિયાત મૂકી રફુચક્કર થઈ ગયો હતો
તુફાન જીપે અકસ્માત સર્જતા ઘટનાસ્થળે દોડી આવેલા લોકોએ કંટ્રોલ રૂમને જાણ કરતા જ ઇમરજન્સી રિસ્પોન્સ વ્હીકલ 112 સહિત સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક મેઘરજ રોડ પર દોડી આવ્યો હતો. પોલીસે અકસ્માતગ્રસ્ત જીપ ગાડી અને તેમાં રહેલો દેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. ખોટી નંબર પ્લેટ વાપરીને દારૂની હેરાફેરી કરવા અને અકસ્માત સર્જવા બદલ પોલીસે ગુનો નોંધી ફરાર ચાલકને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.






