30.7 C
Gujarat
Monday, August 17, 2026
Home ગુજરાત News from Gujarat કળિયુગમાં મહિયાપુરના યુવાનો બન્યા શ્રવણ: ‘શ્રવણ રથ’થી વડીલોને નિઃશુલ્ક તીર્થયાત્રા

કળિયુગમાં મહિયાપુરના યુવાનો બન્યા શ્રવણ: ‘શ્રવણ રથ’થી વડીલોને નિઃશુલ્ક તીર્થયાત્રા

0
6

માલપુર તાલુકાના મહિયાપુર ગામના આશ્રય ફાઉન્ડેશનની અનોખી સેવા : “આપણા જ નહીં, સર્વ સમાજના દરેક માવતર આપણા છે”ના સંકલ્પ સાથે વડીલોને સન્માનપૂર્વક ધાર્મિક સ્થળોના દર્શન

: આજના દોડધામભર્યા અને આધુનિક યુગમાં જ્યાં વડીલો માટે સમય ફાળવવો પણ મુશ્કેલ બની રહ્યો છે, ત્યારે અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના મહિયાપુર ગામના યુવાનોએ સેવાભાવની અનોખી મિસાલ કાયમ કરી છે. આશ્રય ફાઉન્ડેશન દ્વારા શરૂ કરવામાં આવેલી ‘શ્રવણ રથ’ સેવા યાત્રા અંતર્ગત વડીલોને નિઃશુલ્ક વિવિધ તીર્થધામોના દર્શન કરાવવામાં આવી રહ્યા છે.

સતયુગમાં શ્રવણ કુમારે પોતાના અંધ માતા-પિતાને કાવડમાં બેસાડી તીર્થયાત્રા કરાવી હતી. એ જ માતા-પિતાની સેવા અને વડીલો પ્રત્યેના કર્તવ્યની ભાવનાને કળિયુગમાં જીવંત રાખવાના ઉદ્દેશ સાથે ફાઉન્ડેશનના દક્ષેશભાઈ પટેલ અને ચંદુભાઈ પટેલે આ સેવાયજ્ઞનો પ્રારંભ કર્યો છે.

‘દરેક માવતર આપણા’ની ભાવના સાથે સેવા

દક્ષેશભાઈ પટેલ અને ચંદુભાઈ પટેલનો સંકલ્પ છે કે, “આપણા જ નહીં, સર્વ સમાજના દરેક માવતર આપણા છે.” આ ભાવનાને સાકાર કરવા ગામ તથા આસપાસના વિસ્તારના વડીલોને સન્માનપૂર્વક વિવિધ ધાર્મિક અને તીર્થસ્થળોના દર્શન કરાવવામાં આવી રહ્યા છે.

શ્રવણ રથમાં વડીલોને માત્ર તીર્થયાત્રા જ નહીં, પરંતુ પરિવારના સભ્યો જેવી આત્મીયતા અને કાળજી સાથે પ્રવાસ કરાવવામાં આવે છે. જેના કારણે વડીલોના ચહેરા પર પણ ખુશી જોવા મળી રહી છે.

ઇસ્કોન પરિવાર દ્વારા ભાવભીનું સ્વાગત

શ્રવણ રથની તીર્થયાત્રા દરમિયાન પવિત્ર માસમાં વડીલો ઇસ્કોન મંદિર ખાતે દર્શનાર્થે પહોંચ્યા હતા. જ્યાં ઇસ્કોન મંદિરના મનુ પ્રભુ તથા ઇસ્કોન પરિવાર દ્વારા વડીલોનું ભાવભીનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સામાજિક કાર્યકર મહેશ પટેલ સહિત સ્થાનિક આગેવાનો અને સેવાભાવી લોકો ઉપસ્થિત રહ્યા હતા.

ઇસ્કોન મોડાસા સાથે જોડાયેલા જીવદયા પ્રેમી નિલેશ જોશીએ આ સેવાકાર્યને બિરદાવતાં જણાવ્યું હતું કે, “માવતરની સેવા એ જ સાચો શ્રવણ ધર્મ છે અને વડીલોના હૃદયપૂર્વકના આશીર્વાદ એ જ જીવનની સૌથી મોટી સંપત્તિ છે.”

ધાર્મિક યાત્રા નહીં, સંસ્કારની યાત્રા

આશ્રય ફાઉન્ડેશનનો શ્રવણ રથ માત્ર વડીલોને તીર્થધામોના દર્શન કરાવતો સેવા પ્રકલ્પ નથી, પરંતુ નવી પેઢીને માતા-પિતા અને વડીલો પ્રત્યેના પ્રેમ, આદર, કર્તવ્ય અને સંસ્કારનો પાઠ ભણાવતી એક જીવંત પ્રેરણાપીઠ બની રહ્યો છે.

આગામી સમયમાં વધુને વધુ વડીલોને શ્રવણ રથ સેવા સાથે જોડીને તેમના જીવનમાં આનંદ અને સુખની ક્ષણો લાવવાનો સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. દક્ષેશભાઈ પટેલ અને ચંદુભાઈ પટેલના આ અનોખા સેવાકાર્યની સમગ્ર પંથકમાં પ્રશંસા થઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!