અરવલ્લી : મેઘરજ રેફરલ હોસ્પિટલમાં મુન્નાભાઈ MBBS જેવા દ્રશ્યો, સર્પ દંશ દર્દીને કહ્યું પહેલા કેસ પછી સારવારમેઘરજ રેફરલ હોસ્પિટલમાં સારવારમાં લાલિયાવાડી ચાલતી હોવાનો દર્દીઓનો આક્ષેપ, સર્જન અને બાળ રોગ નિષ્ણાંત તબીબની ઘટ
મુન્નાભાઈ એમબીબીએસ ફિલ્મમાં એક માતા તેના પુત્રએ ઝેરી દવા ઘટગટાવતા હોસ્પિટલમાં સારવાર અર્થે પહોંચે છે ત્યારે હોસ્પિટલમાં સારવાર આપવાના બદલે પહેલા કેસ કઢાવો પછી સારવાર મળશેના જવાબથી માતા લાચાર બની કેસ કઢાવવા લાઈનમાં ઊભી રહે છે તેવું જ દ્રશ્ય મેઘરજ રેફરલ હોસ્પિટલમાં જોવા મળ્યું હતું સર્પદંશનો ભોગ બનેલી મહિલા સારવાર અર્થે મેઘરજ રેફરલ હોસ્પિટલમાં પહોંચતા ઇમરજન્સી સારવાર આપવાના બદલે પહેલા કેસ કઢાવવાની ફરજ પાડવામાં આવતા મહિલા સહિત પરિવારજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો
પ્રાપ્ત માહિતી અનુસાર,મેઘરજ તાલુકાના વાસણા ખાતે આવેલી રેફરલ હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓના સંચાલન અને વ્યવસ્થાને લઈને સવાલો ઉઠ્યા છે. સર્પદંશ જેવી ઈમરજન્સી સ્થિતિમાં આવેલા દર્દીને તાત્કાલિક સારવાર આપવાના બદલે પ્રથમ કેસ કઢાવવા જણાવવામાં આવ્યું હોવાના આક્ષેપથી દર્દીના પરિવારજનોમાં રોષ જોવા મળ્યો હતો.
એક મહિલા દર્દીને સર્પદંશની ઘટના બાદ સારવાર માટે મેઘરજ રેફરલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. ઈમરજન્સી સારવારની જરૂર હોવા છતાં પ્રથમ કેસ કઢાવવા જણાવાતા દર્દીને કેસ બારી પર લાઇનમાં ઊભા રહી કેસ કઢાવવો પડ્યો હતો. ત્યારબાદ હાજર તબીબે દર્દીની તપાસ કરી ઇમર્જન્સી સારવાર આપવાને બદલે લેબોર્ટરીમાં મહિલા દર્દીને ટેસ્ટ કરાવવાનું કહેવામાં આવ્યું હતું તબીબ અને સ્ટાફની ઘોર બેદરકારી આંખે ઉડીને વળગી હતી મહિલા દર્દીને ચાલીને લેબોરેટરીમાં લઈ જવાના આવતા અચાનક ચક્કર આવતા મહિલા નીચે પટકાય તે પહેલા પરિવારજનોએ
મહિલાને પકડી લેતા માંડ માંડ બચી હતી લેબોરેટરી સેમ્પલ આપ્યા પછી જ સર્પદંશનો ભોગ બનેલી મહિલાની સારવાર ચાલુ કરવામાં આવતા પરિવારજનો તબીબ અને હોસ્પિટલ સ્ટાફની કામગીરીથી ચોંકી ઉઠ્યા હતા
અત્રે ઉલ્લેખનીય છે કે કરોડોના રૂપિયાના ખર્ચે અને વર્ષે દહાડે હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબો અને સ્ટાફને કરોડો રૂપિયાનો પગાર સરકાર તરફથી ચૂકવવામાં આવે છે તેમ છતાં દર્દીઓને યોગ્ય સારવાર મળતી ન હોવાની બૂમો ઉઠી છે રેફરલ હોસ્પિટલમાં યોગ્ય મેનેજમેન્ટના અભાવે ગરીબ અને ગ્રામ્ય વિસ્તારની પ્રજાને હાલાકી ભોગવવી પડી રહી હોવાની ચર્ચા છે. હોસ્પિટલમાં દરરોજ ૩૦૦થી વધુ દર્દીઓ અંતરિયાળ વિસ્તારમાંથી સારવાર માટે આવતા રહે છે
ખાસ કરીને ઈમરજન્સી સારવાર માટે આવતા દર્દીઓને પ્રથમ સારવાર આપ્યા બાદ જરૂરી કાગળની પ્રક્રિયા કરવામાં આવે તેવી વ્યવસ્થા હોવી જોઈએ તેવી લોકોની માંગ છે. સર્પદંશ, અકસ્માત સહિતની ગંભીર પરિસ્થિતિમાં સમયસર સારવાર ન મળે તો દર્દીના જીવ સામે જોખમ ઊભું થઈ શકે છે.
આ ઉપરાંત મેઘરજ રેફરલ હોસ્પિટલમાં બાળકોના તબીબ અને સર્જન તબીબની કાયમી ઉપલબ્ધતા ન હોવાને કારણે દર્દીઓને અન્યત્ર રિફર કરવાની ફરજ પડતી હોવાની પણ ફરિયાદો ઉઠી રહી છે.
જિલ્લા તંત્ર દ્વારા મેઘરજ રેફરલ હોસ્પિટલમાં બાળરોગ નિષ્ણાત અને સર્જન તબીબની ફાળવણી કરવામાં આવે તેમજ ઈમરજન્સીમાં આવતા દર્દીની કાગળની પ્રક્રિયા કરતાં પહેલાં તાત્કાલિક પ્રાથમિક સારવાર શરૂ થાય તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી તાલુકાની પ્રજામાંથી ઉગ્ર માંગ ઉઠી છે.





