33.7 C
Gujarat
Thursday, November 12, 2026
Home HeadLines અરવલ્લી : ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે 12થી 18 નવેમ્બર જનજાતીય...

અરવલ્લી : ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે 12થી 18 નવેમ્બર જનજાતીય ગૌરવ સપ્તાહની ઉજવણી 

0

 

સાંસદ શોભનાબેન બારૈયાની અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ એક સપ્તાહ દરમિયાન યુવા સંમેલન, મહિલા સંમેલન સહિત વિવિધ જનજાગૃતિ અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે

 

ધરતી આબા ભગવાન બિરસા મુંડાજીની 151મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં જનજાતીય ગૌરવ, સંસ્કૃતિ, પરંપરા અને આદિવાસી સમાજના યોગદાનને ઉજાગર કરવાના હેતુથી જનજાતીય ગૌરવ સપ્તાહ-2026ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીના ભાગરૂપે અરવલ્લી જિલ્લામાં આગામી તા. 12 નવેમ્બરથી 18 નવેમ્બર, 2026 દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગેની વિસ્તૃત માહિતી આપવા માટે સાંસદ શોભનાબેન બારૈયાની અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી.

 

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સાંસદે જનજાતીય ગૌરવ સપ્તાહની ઉજવણીના ઉદ્દેશ્યો, કાર્યક્રમોની રૂપરેખા તેમજ આદિવાસી સમાજના ગૌરવશાળી ઇતિહાસ, સંસ્કૃતિ, પરંપરા અને રાષ્ટ્રનિર્માણમાં તેમના અમૂલ્ય યોગદાન અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ભગવાન બિરસા મુંડાજીનું જીવન સંઘર્ષ, સાહસ, સ્વાભિમાન અને સમાજસેવાની પ્રેરણાનું પ્રતીક છે. તેમની 151મી જન્મજયંતિની ઉજવણી દ્વારા નવી પેઢીમાં આદિવાસી મહાનાયકોના જીવન અને વિચારો પ્રત્યે જાગૃતિ કેળવવાનો પ્રયાસ કરવામાં આવશે.

 

આ સપ્તાહ દરમિયાન જિલ્લામાં વિવિધ સ્થળોએ અનેકવિધ કાર્યક્રમો યોજાશે. જેમાં યુવા સંમેલન, ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમાની સ્વચ્છતા, ગ્રામ પંચાયતોમાં સ્વચ્છતા અભિયાન, દેવી-દેવતાઓનું પૂજન, સાધુ-સંતોનું સન્માન, દીપોત્સવ કાર્યક્રમ, જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી, નાગરિક સંમેલન, પરંપરાગત ગ્રામીણ રમોત્સવ તેમજ મહિલા સંમેલન સહિતના કાર્યક્રમોનો સમાવેશ થાય છે.

 

આ કાર્યક્રમો થકી આદિવાસી સમાજની સમૃદ્ધ લોકસંસ્કૃતિ, પરંપરાગત જીવનશૈલી, લોકકલા, સામાજિક એકતા અને ગૌરવશાળી વારસાને પ્રોત્સાહન આપવામાં આવશે. ખાસ કરીને યુવાનો અને મહિલાઓની સક્રિય ભાગીદારી દ્વારા સમાજમાં જાગૃતિ, સંગઠન અને વિકાસની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવશે.સાંસદે જનજાતીય ગૌરવ સપ્તાહના તમામ કાર્યક્રમોમાં નાગરિકો, યુવાનો, મહિલાઓ તેમજ સમાજના આગેવાનોને ઉત્સાહભેર સહભાગી થવા અપીલ કરી હતી.આ પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લાના પદાધિકારીઓ, વહીવટી અધિકારીઓ તેમજ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના મોટી સંખ્યામાં પત્રકારમિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!