ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે ઉજવાતા ‘જનજાતીય ગૌરવ દિવસ’ અંતર્ગત અરવલ્લી જિલ્લા કક્ષાનો કાર્યક્રમ શામળાજી તાલુકાના ખેરંચા મુકામે ઉત્સાહભેર યોજાયો હતો.નાના ડોડીસરા ગામની પ્રતિભાશાળી દીકરી અને ખેલાડી ધ્રુવ્યા મુકેશભાઈ નિનામાને રમત-ગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન આપવા બદલ સન્માનિત કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં ગુજરાત ભાજપના પ્રભારી, મંત્રી પી. સી. બરંડા, સાંસદ શોભનાબેન બારૈયા, અરવલ્લી જિલ્લા કલેક્ટર મિલિન્દ બાપના, પ્રાંત અધિકારી નેહા બયાડવાલ તેમજ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા સહિત સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર અને ભાજપના મોવડીમંડળના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગુજરાત ભાજપના પ્રભારીના વરદ્ હસ્તે ધ્રુવ્યા નિનામાને પ્રશસ્તિપત્ર એનાયત કરી સન્માન કર્યું હતું.ગ્રામીણ વિસ્તારમાંથી આવતી દીકરીએ પોતાની અદ્ભુત પ્રતિભા, અથાગ મહેનત અને રમત-ગમત પ્રત્યેના સમર્પણના બળે જિલ્લા કક્ષાના આ પ્રતિષ્ઠિત મંચ સુધી પહોંચીને સમગ્ર અરવલ્લી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.ગ્રામીણ પ્રતિભાઓને પ્રોત્સાહન પૂરૂં પાડતો આ પ્રસંગ ઉપસ્થિત સૌ કોઈ માટે પ્રેરણારૂપ બન્યો હતો.દીકરીની આ સિદ્ધિથી સમગ્ર પરિવાર, નાના ડોડીસરા ગામ અને સમગ્ર સમાજમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે.સૌ-કોઈએ દીકરીને ઉજ્જવળ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા.ભવિષ્યમાં રાજ્ય સ્તરે, રાષ્ટ્રીય સ્તરે ભારત દેશનું નામ રોશન કરે તેવી હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.





