મોડાસા-રાયગઢ(રાજેન્દ્રનગર )રોડની બાકી રહેલી કામગીરીનો આજથી પ્રારંભ, કલેક્ટરશ્રી મિલિન્દ બાપનાએ સ્થળ મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યુ રૂ. ૫૧ કરોડના ખર્ચે બાકી રહેલી કામગીરી આગામી ચાર મહિનામાં પૂર્ણ કરાશે
અરવલ્લી જિલ્લાના મોડાસા અને હિંમતનગર વચ્ચેના માર્ગ વ્યવહારને વધુ સુગમ અને સરળ બનાવવાના હેતુથી અંદાજિત રૂ. ૯૪ કરોડની વહીવટી મંજૂરી સાથે હાથ ધરવામાં આવેલી મોડાસા-રાયગઢ રોડની કામગીરીનું આજે જિલ્લા કલેક્ટર મિલિન્દ બાપનાએ સ્થળ નિરીક્ષણ કરી સમીક્ષા કરી હતી. આ દરમિયાન તેમણે બાકી રહેલી કામગીરીનો નવી એજન્સી દ્વારા આજથી શરૂ કરવામાં આવેલો પ્રારંભ નિહાળી કામગીરીની પ્રગતિ અંગે સંબંધિત અધિકારીઓ પાસેથી વિગતો મેળવી હતી.
આ મહત્વપૂર્ણ માર્ગની કામગીરી વહેલી તકે શરૂ થાય તે માટે જિલ્લા કલેક્ટર મિલિન્દ બાપનાએ સ્થળ મુલાકાતો લઈ સંબંધિત વિભાગો સાથે સંકલન સાધ્યું હતું અને કામગીરી શરૂ કરાવવા જરૂરી સૂચનાઓ આપી હતી. કલેક્ટરશ્રીના પ્રયાસોના પરિણામે આ કામગીરીને હવે ગતિ મળી છે.રોડની ડાબી બાજુની લેનમાં મોડાસાથી રાજેન્દ્રનગર તરફની સમગ્ર લંબાઈમાં ચોમાસા પૂર્વે ડામરની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી, જેથી વાહન વ્યવહારને કોઈ અડચણ ન પડે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું. જ્યારે જમણી બાજુની લેનની બાકી રહેલી કામગીરી માટે નવી ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી નવી એજન્સીને કામગીરી સોંપવામાં આવી છે. આ એજન્સી દ્વારા આજથી બાકી રહેલી કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
મોડાસા-રાયગઢ રોડની બાકી રહેલી કામગીરી અંદાજિત રૂ. ૫૧ કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવનાર છે. જિલ્લા કલેક્ટરે સ્થળ મુલાકાત દરમિયાન કામગીરીનું નિરીક્ષણ કરી તેની ગુણવત્તા અને પ્રગતિ અંગે સમીક્ષા કરી હતી. બાકી રહેલી સમગ્ર કામગીરી આગામી ચાર મહિનામાં પૂર્ણ થાય તે માટે સંબંધિત અધિકારીઓ અને એજન્સીને જરૂરી સૂચનાઓ આપી હતી.
આ માર્ગની કામગીરી પૂર્ણ થતાં મોડાસા અને હિંમતનગર વચ્ચેનો વાહન વ્યવહાર વધુ સરળ, સુગમ અને સુરક્ષિત બનશે. સાથે જ સ્થાનિક નાગરિકો અને વાહનચાલકોને લાંબા સમયથી પડતી મુશ્કેલીઓમાંથી રાહત મળશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ મહત્વપૂર્ણ માર્ગની કામગીરી સમયમર્યાદામાં અને ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ થાય તે માટે સતત દેખરેખ રાખવામાં આવશે.





