પંજાબમાં આમ આદમી પાર્ટીની ભવ્ય જીત થતાં જીતની ઉજવણી ઠેર ઠેર જોવા મળી હતી, પંજાબ, દિલ્હી અને ગુજરાતમાં આપના કાર્યકરોએ જીતનો જશ્ન મનાવ્યો હતો. પંજાબમાં આમ આદમી પાર્ટીએ તમામ પાર્ટીઓના સૂપડા સાફ કરીને સત્તાનું સુકાન સંભાળનાર છે ત્યારે જીતેલા તમામ ઉમેદવારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. અરવલ્લી જિલ્લામાં પણ આપ કાર્યકરોએ જીતનો જશ્ન મનાવ્યો હતો. અરવલ્લી જિલ્લા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ, ઉપ પ્રમુખ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને મોડાસા ખાતે જીતનો જશ્ન મનાવ્યો હતો.
મોડાસાના સહયોગ બાયપાસ ચોકડી પર આપ આગેવાનોએ આતિશબાજી કરી હતી ત્યારબાદ મોડાસાના મુખ્ય ચાર રસ્તા પર આપના આગેવાનો આવી પહોંચ્યા હતા, જ્યાં આતિશબાજી કરીને જીતનો જશ્ન મનાવ્યો હતો. જિલ્લાના આગેવાનોએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આઝાદ ભારતના ઇતિહાસમાં ચોખ્ખી રાજનિતીનો વિજય થયો છે. જે વિઝન સાથે આપ પાર્ટી નિકળી છે તેને ધ્યાનમાં રાખી પંજાબની જનતાએ મહોર મારી છે, અને આ જ વિઝન સાથે ગુજરાતની જનતા વચ્ચે જઇશું.





