રાજ્યમાં ક્રાઈમની ઘટનાઓ ઘટતી હોય છે ત્યારે એક એવી ઘટના સામે આવી છે કે, જેનાથી કંપારી છૂટી જાય. છોટાઉદેપુર જિલ્લામાં મહિલા કંડક્ટરને ફરજ દરમિયાન જ મોતને ઘાટ ઉતારી દેવાની ઘટના સામે આવી છે, જેને લઇને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.
પાવીજેપુર તાલુકાના ભિખાપુરા ગામે બોડેલી-કંડા બસમાં ખેલાયો ખૂની ખેલ ખેલાયો હતો. બસમાં કંડકટર તરીકે ફરજ બજાવતી મંગીબેન રાઠવાને તેના પતિએ જ ચાકુના ઉપરાછાપરી ઘા મારી નિર્મમ હત્યા નીપજાવી છે. પ્રાથમિક માહિતી અનુસાર આરોપી પતિ અમૃત રાઠવા સુરત શહેરમાં પોલીસકર્મી તરીકે ફરજ નિભાવે છે. અમૃત રાઠવા પોતાની પત્નીના ચારિત્ર્ય ઉપર શંકા કરતો અને આ શંકાનું પરિણામ હત્યામાં ફેરવાયું છે. પહેલા થી જ ભીખાપુરા ગામે પત્નીના બસની રાહ જોઈને ઉભેલા અમૃતે બસ આવતાની સાથે ચાકુથી મંગિબેનનું ગળું કાપી નાખ્યું અને હાથ અને પેટ ઉપર પણ ઉપરાછાપરી ચાકુના ઘા કર્યા હતા. ગંભીર રીતે ઘાયલ મંગિબેન નું ઘટના સ્થળે જ મોત નિપજ્યું તો બીજીતરફ સ્થળ ઉપર હાજર લોકોએ આરોપી અમૃતને પકડી પોલીસ હવાલે કરી દીધો. સમગ્ર ઘટના બાબતે કદવાલ પોલીસ મથકમાં હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે
આ અંગે છોટાઉદેપુર જિલ્લાના પોલિસ વડા ધર્મેન્દ્ર શર્માએ જણાવ્યું કે, આરોપીની પૂછપરછમાં મૃતક મહિલાના અન્ય વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ હોવાની શંકા રાખીની સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે, જોકે સાચી હકીકત શું છે તે અંગે પોલિસ તપાસ હાથ ધરી રહી છે.