તમામ લોકો એકબીજાના સંપર્કમાં રહીને વિવિધ જગ્યા જેવી કે બજાર, મોલ, મંદિરોના પાર્કિગમાંથી રેકી કરી બાઈકોનું લોક તોડી ચોરી કરતા હતા જે બાદમાં રાજસ્થાનમાં ગ્રાહકને સસ્તા ભાવે વેચી દેતા હતા.
બનાવની વિગત પ્રમાણે સાબરકાંઠા જિલ્લામાં વાહન ચોરીના ગુનાઓ વધી રહ્યા હતા. આ માટે સાબરકાંઠા પોલીસે વિવિધ ટીમો બનાવી આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી શરુ કરી હતી.
આ દરમિયાન લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ હિંમતનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે રાજસ્થાનની મોટર સાઈકલ ચોરી કરતી કોટડા ગેંગનો મુખ્ય સૂત્રધાર જીજમ લાડુરામ તેના સાગરિતો પ્રકાશ મીણા તથા ભેરિયો સાથે નીકળ્યો છે. તેની સાથે નંબર પ્લેટ વગરની હીરો કંપનીની મોટર સાઇકલ છે. તે ચોરીના ઇરાદા સાથે નીકળ્યો છે. તે ઈડરથી હિંમતનગર તરફ આવી રહ્યો હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે વક્તાપુરની સાઈ મંદિર આગળ વોચ ગોઠવી બાતમી વાળી મોટરસાયકલ ચોરીનાં આરોપીને કોર્ડન કરીને પૂછપરછ કરતા પોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓએ સાબરકાંઠા જિલ્લામાંથી 7 જેટલી મોટર સાઈકલની ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. જેમાં સાબરકાંઠાના , ખેડબ્રહ્મા તાલુકામાંથી ત્રણ ઈડરમાંથી બે અને અન્ય બે વિસ્તારોમાંથી છેલ્લા કેટલાય સમયથી 7 મોટર સાઈકલોની ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું.
સાથે જ આરોપીએ એવું પણ જણાવ્યું હતું કે, તેમણે પોતાની ગેંગનું નામ કોટડા ગેંગ રાખ્યું છે અને તેમની સાથે અન્ય ત્રણ સાગરીતો પણ ગુનામાં સોંડોવાયેલા હોવાનું કબૂલ્યું હતું જોકે હાલ પોલીસે ત્રણે આરોપીઓ ઝડપીને 7 મોટર સાઈકલ સહિત 2,36,075 રૂપિયાનો મુદ્દામાલ રિકવર કર્યો છે. અન્ય ત્રણ વોન્ટેડ આરોપીઓને પકડી પાડવાની તજવીજ હાથ ધરી છે.