અરવલ્લી જિલ્લામાં દીપડા દેખાવાની ઘટનાઓ સામે આવતી હોય છે પણ છેલ્લા એક મહિના કરતા વધારે સમયથી સરડોઈ, લાલપુર, બોલુન્દ્ર, ગઢડા સહિતના વિસ્તારોમાં દીપડો જોવા મળ્યો હતો. ચાર જેટલા દીપડા હોવાના વીડિયો સામે આવ્યા હતા, પણ હજુ દીપડા પાંજરે પુરાયા નથી ત્યારે વધુ એકવાર ભાટકોટા પંથકમાં મોડી રાત્રે એક સાથે 4 દીપડા જોવા મળતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ શનિવાર મોડી રાત્રે 2 દીપડા જોવા મળતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા જ્યાં બીજા બે બાળ દીપડા સ્થાનિક લોકોએ જોયા હોવાની વાતચીત વાઈરલ વીડિયોમાં સંભળાઈ રહી છે. ભાટકોટા ગામે આવેલા મંદિર નજીક મોડી રાત્રે 4 દીપડા જોવા મળતા લોકોમાં એક ડરનો માહોલ પણ જોવા મળ્યો હતો. આ પહેલા ગઢડા ગામની સીમમાં દીપડાએ પશુનું મારણ કરતા દહેશત જોવા મળી હતી. છેલ્લા ઘણાં સમયથી આ વિસ્તારોમાં દીપડાના આંટાફેરાથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે ખાસ કરીને રાત્રીએ પાણી વાળવા જતાં ખેડૂતો અને પશુપાલકોમાં વધારે ભય વર્તાયો છે.
દીપડાનું માનવ વસાહતમાં પલાયનનું કારણ
એકસાથે 4 દીપડા જોવા મળતા દીપડાની વસ્તી વધી હોય તેવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, પણ જંગલોનું સતત નિકંદન થતાં હવે દીપડાઓ જંગલ છોડી માનવ વસાહતો તરફ પલાયન કરતા હોય તેવું લાગે છે. ધોળા દિવસે લાકડાની તસ્કરી થવાની ઘટનાઓથી સ્પષ્ટ ખ્યાલ આવી શકે કે, જંગલોનો નાશ અટકાવવા માટે વનવિભાગ ખાસ ધ્યાન રાખતું નથી, જેથી દિવસે લાકડાઓની તસ્કરી થતી જોવા મળે છે. ધીરે-ધીરે જંગલો સાફ થશે તો જંગલી પ્રાણીઓ જંગલો છોડીને રહેણાંક વિસ્તારોમાં આવશે તેમાં કોઈ બે મત નથી. વનવિભાગના કર્મચારીઓ જંગલોમાં વૃક્ષોનું નિકંદન થતું અટકાવવામાં કેમ ધ્યાન નથી આપતા તે પણ હવે સવાલો ઉઠી રહ્યા છે.