અરવલ્લી જિલ્લામાં આજે અષાઢી પૂનમે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભારે ઉમંગ ઉલ્લાસ વચ્ચે ઠેર ઠેર ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉમંગે ઉજવાયો હતો Ilગુરુબિન ભવનિધિ તરહી ન કોય.. ચાહે બિરંચી શંકર સમ હોય…!!
Advertisement
ગુ એટલે અંધકાર અને રું એટલે પ્રકાશ…આધ્યાત્મિક દષ્ટિએ જીવનમાં ગુરુનો મહિમા અપરંપાર છે. છેક ભગવાન કૃષ્ણ અને શ્રી રામ જેવા અવતારી દેવો..ભગવંતોના સમયમાં પણ ભગવાને પૃથ્વી ઉપર અવતરી ગુરુદ્વારાઓમાં જઈ ગુરુ પાસેથી આધ્યાત્મિક જ્ઞાન મેળવ્યું હતું જે ઉજ્જવળ પરંપરા થકી ચાલી આવતી ગુરુ મહિમાને ઉજાગર કરતી ગુરુપૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહે છે.
આજે અરવલ્લી જિલ્લામાં પણ મોડાસામાં દેવાયત પંડિતની પવિત્ર ભૂમિ દેવરાજ ધામ ખાતે,બન્ને જિલ્લાઓના મુમુક્ષુઓ- ભક્તોના આસ્થાનું કેન્દ્ર સમા ગોધમજી ખાતે સંત જેસિંગ બાવજીનના મંદિરે ઉપરાંત અરવલ્લી જિલ્લાના તાલુકાઓમાં પણ ગુરુપૂર્ણિમા મહોત્સવ ભારે ઉમંગભેર ઉજવાઇ હતી.
મોડાસા તાલુકામાં બોલુંદરા ગામે પ્રસિદ્ધ શ્રીકૃષ્ણાશ્રમ ખાતે અગ્નિહોત્રી આત્રેયભાઈના સાન્નિધ્યે,સરડોઈમાં પૂ.ભક્તિરામ બાવજીને ગાયત્રી આશ્રમે પૂ પદયુમન બાવજી અને દત્ત આશ્રમે , મેઢાસણ પાસે સાલમપુર ખાતે પૂ.મોહનમહારાજના તારાપુર આશ્રમે પૂ. લક્ષ્મણબાપુના સાન્નિધ્યે,મોડાસાના શિણાવાડ માં સંતશ્રી પુરુષોત્તમ આશ્રમે, મોટી ઇસરોલમાં રામદેવ ઉપાસક પૂ.હીરાદાદાના સાન્નિધ્યે, સુનોખ કંપા નજીક વક્તાપુરમાં સંત લાલજી મહારાજના અશ્રમે,ખોડંબા પાસે વૈજનાથ મંદિરે પૂ.વાસુદેવજી મહારાજ અને બદારપુરા ગુરૂગાદીએ પૂ.બાળકદાસજી મહારાજના સાન્નિધ્યે પણ ગુરુ પૂર્ણિમા ઉજવાઇ હતી.
આજે જિલ્લામાં આશ્રમો, ગુરુદ્વારાઓ તેમજ ગુરુ નિવાસ સ્થાનોમાં દર્શનાર્થીઓની ભીડ જામી હતી.સવારથી જ ભક્તો,અનુયાયીઓ પોતાના ગુરુના દ્વારે જઈને તેમજ દેવદેવીઓના મંદિરોમાં જઈ માથું ટેકવીને ભગવાનના દર્શન કરીને અને ગુરુદ્વારાઓમાં ગુરુવંદના, પૂજા કરીને અને ગુરુ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.