મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મૃદુ, મિતભાષી અને મક્કમ મુખ્યમંત્રી તરીકે જનમાનસમાં આગવી લોકચાહના મેળવી રહ્યા છે. સહજ, સરળ અને સાલસ વ્યક્તિત્વ સાથે મુખ્યમંત્રીએ તેમની સામે આવતી રજૂઆતો, નાગરિક-ફરિયાદો, લોક-સમસ્યાઓનું ત્વરાએ નિવારણ લાવવા માટે પણ હવે ‘આપણા ભૂપેન્દ્રભાઈ’ની ઓળખ ઊભી કરી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાની આવી જ સહજ, સરળતાનો વધુ એક પરિચય આપતાં છેક ગ્રામીણ સ્તરના પાયાના કર્મયોગીઓ અને આદિજાતિ ગ્રામજનો સાથે બેસીને સંવાદ સાધી-લોકસંપર્કનો નવતર અભિગમ અપનાવ્યો છે.
મુખ્યમંત્રીએ આ અભિગમ અન્વયે નર્મદા જિલ્લાના અંતરિયાળ વનબંધુ વિસ્તાર સાગબારાના જાવલી ગામની મુલાકાત લીધી હતી.
સાગબારા તાલુકાનું જાવલી ગામ મહારાષ્ટ્ર સરહદને અડીને આવેલું ગુજરાતનું પ્રથમ ગામ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ બુધવારે સાંજે જાવલી પહોંચીને ત્યાંના ગ્રામસેવક, તલાટી, વી.સી.ઈ., શિક્ષકગણ તેમ જ સસ્તા અનાજની દુકાન ધરાવનારા દુકાનદારો, આરોગ્યકર્મીઓ સાથે સંવાદ બેઠક યોજી હતી. મુખ્યમંત્રીએ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર, આંગણવાડી-નંદઘર, ગ્રામ પંચાયતની મુલાકાત લઈને ઉપલબ્ધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરના પરિસરમાં રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ હેઠળ સંચાલિત અત્યાધુનિક મોબાઈલ ડિજિટલ એક્સ રે વાનની મુલાકાત લઈ આરોગ્ય અધિકારીઓ પાસેથી આ વાનની કાર્યપ્રણાલીની જાણકારી મેળવી હતી.
મુખ્યમંત્રીએ ટી.બી.ના એક દર્દીને ન્યુટ્રીશન કીટ અર્પણ કરી હતી. અને તેમના ખબર અંતર પૂછ્યા હતા તથા નિયમિત રીતે પોષણયુક્ત આહાર લઈને તબિયતની કાળજી લેવા અનુરોધ કર્યો હતો. જાવલીના રહીશ અરવિંદભાઈ અશોકભાઈ વસાવાના ઘરની મુલાકાત લઈને મુખ્યમંત્રીએ પરિવારજનો સાથે સંવાદ કર્યો હતો, અને સરકારી યોજનાઓ અને અન્ય સુવિધાઓ તેમને મળે છે કે કેમ તેમજ પાણી, આરોગ્ય અને શિક્ષણ જેવી પ્રાથમિક સુવિધાઓ અંગે જાણકારી મેળવી આત્મીયજન બની ગોષ્ઠિ કરી હતી.
ગ્રામજનો સાથેના વાર્તાલાપમાં મુખ્યમંત્રીની સંવેદના સ્પષ્ટપણે જોવા મળતી હતી. મુખ્યમંત્રીએ જાવલીના મહિલા ગ્રામજન કલાવતીબહેન વળવીના ઘરની મુલાકાત લઈને બિપરજોય વાવાઝોડામાં ખેતી પાકોની સ્થિતિ અંગે વિગતો મેળવી હતી. કલાબહેને બિપરજોય વાવાઝોડાથી ગામ અને ખેતી સુરક્ષિત રહ્યા છે, તેમજ કોઈ નુકસાન વેઠવું પડ્યું ન હોવાનું જણાવી સરકારના આગોતરા આયોજનની પ્રશંસા કરી હતી.
મુખ્યમંત્રી ગ્રામજનોના ઘરની મુલાકાત લઇને સ્વજન સહજ ભોજન કર્યું હતું તેમજ ગ્રામજનો અને વિદ્યાર્થીઓ સાથે રાત્રિસભા યોજીને સંવાદ-ગોષ્ઠિ પણ કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના ૯ વર્ષમાં ગુજરાત સહિત દેશભરના વંચિતો તેમજ વનબંધુઓના કલ્યાણ માટેના કાર્યક્રમોની સફળતા પણ આ આદિજાતિ ગ્રામજનો મુખ્યમંત્રીએ વર્ણવી હતી.
સાગબારામાં સરકાર માન્ય સસ્તા અનાજની ૩૮ દુકાનો છે, તેના માધ્યમથી ૧૮,૦૨૫ એન.એફ.એસ.એ. કાર્ડધારક પરિવારોના ૮૯ હજાર જેટલા લોકો નિ:શુલ્ક અનાજ મેળવે છે, તેની વિગતો પણ મુખ્યમંત્રીએ જાણી હતી. મુખ્યમંત્રીએ ગામની શાળાની સુવિધાઓ, લાયબ્રેરી, આરોગ્ય કેન્દ્રમાં મળતી સેવાઓ તથા ઈ ગ્રામ વિશ્વગ્રામ અન્વયે પંચાયતઘરમાં ટેકનોલોજીના ઉપયોગથી પ્રાપ્ત સેવાઓની વિગતો મેળવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જાવલીમાં હનુમાનજી મંદિરમાં સાંધ્ય આરતીમાં સહભાગી થયા હતા અને આ આદિજાતિ ગામમાં જ રાત્રિ રોકાણ કર્યુ હતું.
જાવલી ગામમાં કોઈ મુખ્યમંત્રી પ્રથમવાર ગ્રામજનો સાથે રાત્રિસભા-રાત્રિરોકાણ માટે આવ્યા હોવાથી ગામમાં ઉત્સવ અને ઉમંગનું વાતાવરણ સર્જાયું હતું. આ મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટર શ્વેતા તેવટિયા સહિત જિલ્લાના ઉચ્ચાધિકારીઓ-પદાધિકારીઓ પણ સાથે રહ્યા હતા.