રાજપીપલા,બુધવાર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના અંતરિયાળ અને મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલા ગુજરાતના પ્રથમ ગામ ‘જાવલી’ના મહેમાન બન્યા હતા. ગામની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ ગ્રામજનો અને જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં રાત્રિ સભા યોજી હતી. જેમાં તેમણે ગ્રામજનો સાથે સંવાદ સાધી તેમના પ્રશ્નો, રજૂઆતોને રૂબરૂ સાંભળ્યા હતા અને ‘રાજ્ય સરકાર તમારી પડખે છે’ એવો સધિયારો આપી કોઈ પણ મુશ્કેલીના સંજોગોમાં રાજ્ય સરકાર મદદરૂપ થવા સદા તત્પર છે એમ જણાવ્યું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં મારી આ પ્રથમ રાત્રિ સભા હોવાનું જણાવતા વધુમાં ઉમેર્યું કે, રાજ્ય સરકારે સુશાસનને છેવાડાના માનવી સુધી પહોંચાડવા ‘સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસ’ના મંત્રને અનુસરી જનહિતલક્ષી યોજનાઓના સો ટકા લાભ આમજનતા સુધી પહોંચાડવાનો સંકલ્પ કર્યો છે, ત્યારે કોઈ પણ લાભાર્થી સરકારી યોજનાઓના લાભોથી વંચિત રહી ન જાય તેવા મક્કમ ઈરાદા સાથે સરકાર આગળ વધી રહી હોવાનું જણાવી જાવલી ગામના કોઈ પણ વ્યક્તિ, પરિવારને સરકારી યોજનાઓનો લાભ મેળવવા કોઈ પણ અડચણ અનુભવાય, મુશ્કેલીઓ હોય તો જિલ્લા વહીવટી તંત્ર અથવા રાજ્ય સરકારના કોઈ પણ અધિકારીને રજૂઆત કરવા અનુરોધ કર્યો હતો. રાજ્ય સરકાર ગ્રામ્ય વિસ્તારો, સામાન્ય ગ્રામજનોના પ્રશ્નો પ્રત્યે સંવેદનશીલ અને પ્રશ્નોના યોગ્ય નિરાકરણ પ્રત્યે પ્રતિબદ્ધ છે એમ સ્પષ્ટપણે જણાવ્યું હતું.
તેમણે કહ્યું કે, સુશાસનન અને પ્રજાલક્ષી નીતિઓના કારણે આદિજાતિ સમાજના સંતાનો ભણી ગણીને ડોક્ટર, એન્જિનિયર, પાયલોટ, ઉચ્ચ અધિકારી બની રહ્યા છે દર સપ્તાહે સોમ અને મંગળવારે ગાંધીનગર સચિવાલયના દરવાજા તમારા માટે ખુલ્લા છે એમ જણાવતા કોઈ પણ સમસ્યા કે રજૂઆત માટે ગ્રામજનોને ગાંધીનગર આવવા આવકાર્યા હતા. મુખ્યમંત્રીએ આ વર્ષે રાજ્યના બજેટમાં આદિમ જૂથો માટે વિશેષ નાણાકીય ફાળવણી કરી હોવાનો ઉલ્લેખ આ તકે કર્યો હતો.
ઉકાઈના વિસ્થાપિતોના પેન્ડીંગ પ્રશ્નોનો ઝડપભેર ઉકેલ લાવવા જિલ્લા કલેક્ટરને મુખ્યમંત્રીએ સૂચના આપી હતી. જાવલી ગામને તાલુકા અને જિલ્લામાં યોગ્ય બસ કનેક્ટિવિટી મળી રહે એ માટે વધુ એસ.ટી. બસો સાથે વાહનવ્યવહાર સેવાને સુદ્રઢ કરવામાં આવશે તેમજ કેટલાક ગ્રામજનોની જમીનો મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલી છે, જે સંદર્ભે થતી મુશ્કેલીઓ નિવરવાની દિશામાં યોગ્ય કામગીરી કરીશું એમ પણ જણાવ્યું હતું.
નોંધનીય છે કે, નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના છેવાડાના અંતરિયાળ જાવલી ગામ મહારાષ્ટ્ર રાજ્ય અને તાપી જિલ્લાની સરહદને અડીને આવેલું છે. મહારાષ્ટ્ર રાજ્યના બામણ ગામ, કડવા મઉ, કવલી ગવાણ અને ખાપર ગામોની નજીક આવેલું છે, જ્યારે તાપી જિલ્લાના ડાબરી આંબા, ગંથા ગામની સાથે મહારાષ્ટ્ર સરહદને સ્પર્શે છે. એટલે જ આ ગામની ભૌગોલિક પરિસ્થિતિ અને ગ્રામ્ય જીવન સૌથી અલગ તરી આવે છે.