રામદેવ સખીમંડળની બહેનો પોતાના ઘરની આસપાસની ખુલ્લી જગ્યામાં શાકભાજી ઉગાડી તેના વેચાણથી પૈસા પણ કમાય છે.
Advertisement
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાનું એક એવુ ગામ કે જયાં બહેનો ઘર આંગણે શાકભાજીનું વાવેતર કરીને બે પાંદડે થઇ છે. વાત છે મેઢાસણ ગામની જયાં રામદેવ સખીમંડળની બહેનો પોતાના ઘરની આસપાસની ખુલ્લી જગ્યામાં શાકભાજીનું વાવેતર કરે છે અને તે માત્ર શાકભાજી ઘરવપરાશ માટે ઉપયોગમાં નથી લેતી પરંતુ આસપાસના ફળીયામાં વેચીને તેમાંથી પૈસા પણ કમાય છે.
આ અંગે વાત કરતા સખીમંડળના પ્રમુખ દિનાબેન પંડ્યા કહે છે, સખીમંડળમાં જોડાયા પહેલો બેનો ઘરકામ તથા મજૂરી કરી પોતાનું જીવન ગુજરાન ચલાવતાં હતાં તથા તેઓ કોઇપણ પ્રકારની બચત પણ કરતાં ન હતાં અને આક્સ્મિક ખર્ચા આવે ત્યારે પરીવારને વારંવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. આવા સમયે અમારા વિસ્તારના કલસ્ટર કો ઓડીનેટર દ્વારા ગામની બહેનોને કિચન ગાર્ડન વિશે માહિતી અને માર્ગદર્શન આપીને કિચન ગાર્ડનના કામ માટે તેમને તૈયાર કરવામાં આવી, જેમાં મેઢાસણ ગામની ૬ બહેનો દ્વારા રામદેવ સખી મંડળની રચના કરી અને કિચન ગાર્ડનની કામગીરીની આરંભી જેમાં અમને સારી જાતના બિયારણ અને ખાતર ઉપલબ્ધ થતા શાકભાજીની પેદાશમાં પણ વધારો થયો. આજે અમારી બહેનો પોતાના ઘરની આજુ બાજુની ખુલ્લી જગ્યામાં રિંગણ, વાલોર, દુધી, ગલકા, કારેલા, કંકોડા, તુરીયા, ગિલોડા ,ટામેટા, લિંબુ, રતાડુ, જેવી શાકભાજીનું વાવેતર કરે છે. જે આસપાસના ફળીયામાંથી લોકો સામેથી આવીને શાકભાજી લઇ જાય છે. જેના પરીણામે આજે રામદેવ સખી મંડળની તમામ બહેનો મહિને રૂ. ૨૦૦૦ જેટલો નફો કમાય છે.
કિચન ગાર્ડનની કામગીરીથી સખી મંડળની બહેનોને આવકનો સ્ત્રોત મળતાં બહેનોની પરિસ્થિતિમાં આર્થિક અને સામાજીક રીતે માન અને મોભામાં વધારો થવાની સાથે સ્થાનિક કક્ષાએ અને ઘર આંગણે રોજગારી ઉપલ્બધ થતાં મેઢાસણની મહિલાઓમાં સંતોષ જોવા મળી રહ્યો છે