14 સપ્ટેમ્બરે મોડાસા નગરપાલિકાને અઢી વર્ષ માટે નવા પ્રમુખ-ઉપપ્રમુખની વરણી કરવામાં આવનાર છે મોડાસા નગરપાલિકામાં ભાજપ પક્ષ સત્તાધીશ છે મોડાસા નગરપાલિકા પ્રમુખ-ઉપપ્રમુખ માટે ભાજપ કોને મેન્ડેટ આપે છે તેના પર સૌની નજર ટકી છે ત્યારે કોંગ્રેસ દ્વારા ભાજપના ત્રણ કોર્પોરેટરને 25-25 લાખમાં ખરીદ કરવાની ઓફર આપવામાં આવી હોવાની ચર્ચાના પગલે રાજકારણમાં ગરમાવો આવી ગયો છે બીજીબાજુ શહેર કોંગ્રેસ અગ્રણીએ ત્રણ ભાજપના કોર્પોરેટરને 25-25 લાખની ઓફરની ગુગલી ભાજપના જ કેટલાક ભેજાબાજ લોકોની ઉપજ હોવાનો પ્રહાર કર્યો હતો
મોડાસા નગરપાલિકામાં 19 બેઠકો સાથે ભાજપ સત્તા ભોગવી રહ્યું છે કોંગ્રેસ પાસે 9 બેઠક અને AMIM પાસે 8 બેઠક છે 14 સપ્ટેમ્બરે મોડાસા નગરપાલિકાની અઢી વર્ષની ટર્મ માટે પ્રમુખ-ઉપપ્રમુખની વરણી કરવામાં આવનાર છે ત્યારે નગરજનોમાં હવે પાલિકાના નવા પ્રમુખ કોણ હશે તે અંગે તરહ તરહની અટકળો વચ્ચે કોંગ્રેસ પક્ષ દ્વારા ભાજપ પાસેથી સત્તા આંચકી લેવા ભાજપના ત્રણ કોર્પોરેટરને 25-25 લાખ રૂપિયા અને સારા હોદ્દાની ઓફર આપવામાં આવી હોવાની ચર્ચાએ છેલ્લા બે દિવસથી રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે હાલ મોડાસા શહેરમાં ભાજપના ત્રણ કોર્પોરેટરના નામજોગ ચર્ચાઓ ચાલી રહી છે નગરમાં ચાલતી ચર્ચાએ ભાજપ માટે ચિંતા પેદા કરી છે અને ભાજપના કોર્પોરેટરોને કોઈ પણ પ્રકારની લાલચમાં આવ્યા વગર એકજૂથ રહેવા ઉચ્ચકક્ષાએ થી સૂચના આપવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી
કોંગ્રેસ દ્વારા મોડાસા નગરપાલિકાના ત્રણ કોર્પોરેટરને 25-25 લાખ રૂપિયાની ઓફર કરી ખરીદવા માટે એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું હોવા અંગે શહેરના કોંગ્રેસ અગ્રણીને પૂછતાં તેમને આ ટાઢા પોરનું ગપ્પુ હોવાની સાથે મને પણ બજારમાંથી આ વાત સાંભળવા મળી હોવાનું જણાવી આ ભાજપના કેટલાક ભેજાબાજ લોકોની ઉપજ હોવાની સાથે ભાજપના પ્રમુખ પદના દાવેદાર પાસેથી પૈસા ખંખેરવાનો ખેલ હોઈ શકે છે કહી ચર્ચા પર ઠંડુ પાણી રેડી દીધું હતું