અરવલ્લી જિલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ હવે ઓક્સિજન પર આવી ગઈ હોય તેમ લાગે છે. જિલ્લાના ભિલોડાના ધારાસભ્ય પી.સી.બરંડાના ઘરે ગુરૂવારની મધ્યરાત્રીએ ચોરીની ઘટના ઘટી તો શુક્રવારની સાંજે મોડાસા શહેરમાં ફિલ્મી દ્રશ્ય સર્જાયા હતા. મોડાસા શહેરના સહયોગ ચોકડી પર ત્રીસ મિનિટ થી પણ વધારે સમય સુધી મારા-મારીના ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા, જોકે પોલિસ હંમેશાની જેમ તમાશો જોવા મોડી પહોંચી હતી. પોલિસ પહોંચે તે પહેલા તો ફિલ્મી કલાકારો ઘટનાસ્થળેથી પલાયન થઈ ગયા હતા, જોકે સવાલ એ છે કે, આટલી મોટી મારામારી અને હાઈ રિઝોલ્યુશન નેત્રમના ત્રણ થી ચાર કેમેરા પર જાણે અંધાપો આવી ગયો હોય તેવું લાગ્યું, નેત્રમની ટીમ જાગતી હોત તો તાત્કાલિક ટાઉન પોલિસની જાણ કરી હોત તો પોલિસ કદાચ તાત્કાલિક પહોંચતી, ખેર સ્થાનિક લોકોએ જેમ જેમ અધિકારીઓના નંબર મળ્યા તેવી રીતે ટેલિફોનિક જાણ કરી હતી, પણ પોલિસ પહોંચે તે પહેલા જ પિક્ચર પુરૂ થઈ ગયું હતું.
અરવલ્લી જિલ્લામાં હવે કાયદો વ્યવસ્થા કથળતી હોય તેવું લાગી રહ્યું છે. એક જ દિવસમાં બે મોટી ઘટનાએ કેટલાય સવાલો ઊભા કર્યા છે. ભિલોડાના ધારાસભ્ય અને પૂર્વ આઈ.પી.એસ. અધિકારી પી.સી.બરંડાના ઘરે ચોરીની ઘટના ઘટતા પોલિસ દોડતી થઈ ગઈ તો સાંજે મોડાસાના મુખ્ય માર્ગ એવા સહયોગ ચોકડી પર સમી સાંજે છૂટા હાથની મારા-મારીના દ્રશ્યો સર્જાયા હતા. પ્રાપ્ત માહિતી મુજબ ટ્રક કાઢવા બાબતે અન્ય એક મોપેડ અને કાર ચાલક વચ્ચે સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને મામલો બિચક્યો હતો, ત્યારબાદ ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા, મામલો એટલે ઉગ્ર બન્યો કે, આ લોકોને પોલિસ વિના છોડાવા કોણ જાય. અહીં હોમગાર્ડ અને ટીઆરબીના જવાનો પણ હતા, તેમણે પણ પોલિસને જાણ કરી હતી, છતાં પોલિસ મોડી પહોંચી અને કેટલાક લોકોએ કાયદો હાથમાં લીધો હતો. જોકે પોલિસ હંમેશના જેમ મોડી પહોંચી ત્યાં સુધીમાં તો મામલો થાડે પડી ગયો હતો, પણ સવાલ એ છે કે, પોલિસ આટલી મોડી કેમ પહોંચી, જો એક સમૂહે કોઈ એક વ્યક્તિને ઢોર માર માર્યો હોત અને કંઈક થયું હોત તો જવાબદાર કોણ થાંત ?