અરવલ્લી જીલ્લામાં શનિવારે સવારે ધીમીધારે વરસાદના આગમન પછી રાત્રીથી મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા જીલ્લામાં પાણી પાણી થઇ ગયું હતું બાયડ પંથકમાં 24 કલાકમાં 11 ઇંચથી વધુ વરસાદ ખાબકતા બાયડ શહેર સહીત ગામડાઓમાં નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ ગયા હતા અનેક લોકોને તંત્ર દ્વારા સલામત સ્થળે ખસેડવા પુરજોશમાં કાર્યવાહી હાથધરી હતી બાયડ શહેરમાં વરસાદે તારાજી સર્જી હતી હવામાન વિભાગે કરેલ રેડ એલર્ટથી બાયડ શહેરના નાગાર્જન ફફડી ઉઠ્યા હતા જો કે રેડ એલર્ટનો ખતરો ટળતા લોકો સહીત તંત્રએ હાશકારો અનુભવ્યો હતો
બાયડ શહેરની નીચાણવાળા વિસ્તારોમાં એનડીઆરએફ અને ફાયર બ્રિગેડ દ્વારા પાણીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ ઓપરેશન હાથધર્યું હતું બાયડ શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદના કારણે બાયડનું રામનું તળાવ, ગામનું તળાવ ઓવરફ્લો થતા શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા હતા શ્રીનાથ સોસાયટી, લાખેશ્વરી વિસ્તારમાં ઘરોમાં પાણી ઘુસી જતા ઘરમાં રહેલા પરિવારો પુરમાં ફસાતા એનડીઆરએફ અને મોડાસા ફાયર બ્રિગેડની ટીમે સતત બીજા દિવસે રેસ્ક્યૂ કરી નાના બાળકો, ગર્ભવતી મહિલા, વૃદ્ધોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા વરસાદે પોરો ખાતા તંત્ર દ્વારા પુરજોશમાં રાહત કાર્ય ચાલુ કરવામાં આવ્યું હતું અને આશ્રિત લોકોને રહેવા અને ખાવા પીવાની વ્યવસ્થા કરવામાં આવી છે