માનસીની વેદના, પ્રકરણ-2
હેતલ પંડયા
મારો જન્મ થયો. મારા નાની આજે એકદમ ખુશ હતા. મારા જન્મ પછી મમ્મીની હાલત ખુબ જ ગંભીર બની. ડોક્ટરે સ્પષ્ટ કહ્યું કે મા અને દીકરીને સાથે રાખવા નહીં.એટલે મારી કાળજી લેવા તે સમયે મને મમ્મીથી જુદી રાખવામાં આવી. કારણકે મારી મમ્મીની તબિયત સારી ન હતી. તેમને ચામડીનો રોગ થયો હતો. મારા ત્રણ મામા અને ત્રણ મામી પણ મારા જન્મથી ખુશ હતા. પરંતુ તેમની ખુશી હૃદયની નહીં પણ ફક્ત ચહેરા ઉપરની જ હતી. બાકી તેમના મનમાં પણ ઘણા સવાલો હતા. નાના મામાને નાની પર, મારી મમ્મી પર અને મારા પર ખૂબ જ પ્રેમ હતો. તે હંમેશા અમારા બધાંનો વિચાર કરતા. અમે હોસ્પિટલથી ઘરે આવી ગયા, દિવસો વીતવા લાગ્યા અને મમ્મીની તબિયતમાં પણ સુધારો થવા લાગ્યો. નાની, હું અને મમ્મી ગામડે રહેવા લાગ્યા. મામા-મામી અમને ગામડે મૂકી ફરી વડોદરા જવા નીકળી ગયા. કારણકે તેઓ વડોદરા રહેતા હતા. મમ્મી મારા જન્મથી ખૂબ જ ખુશ હતી. પરંતુ તેના જીવન પર તો દુઃખનો પહાડ તૂટી પડયો હતો. લગ્નના ફક્ત છ માસ બાદ પપ્પા એ મને અને મમ્મીને ફક્ત પૈસા માટે તરછોડી દીધી હતી. મમ્મી ને ફકત મારા નાની(એટલે કે તેના મમ્મી) અને નાના મામાનો જ સહારો હતો. મમ્મી પપ્પાની બેવફાઈને વિસરી ન શકી અને ધીમે ધીમે ડિપ્રેશનનો શિકાર થવા લાગી. નાની મારુ બધું જ કામ કરતા અને કાળજી રાખતા.નાની મમ્મીને પણ નોકરી કરવા માટે પ્રેરિત કરતા. જોતજોતામાં હું ચાર વર્ષની થઈ ગઈ. નાની મમ્મીને કહેતા કે માનસી હવે ચાર વર્ષની થઈ ગઈ છે. હવે તું નોકરી કરી શકે છે. મમ્મીએ નાનીની વાત માની લીધી અને એક શાળામાં નોકરીમાં જોડાઈ ગયા.
મમ્મી ભૂતકાળ ભૂલી ભવિષ્ય તરફ આગળ વધવાની કોશિશ કરી રહી હતી. મમ્મીએ ગામડાની એક શાળામાં મારું એડમિશન કરાવી દીધુ. ક્યારેક-ક્યારેક મામા ગામડે આવતા તો તે મને શહેરમાં ભણવા લઈ જવાની વાત કરતા. મામા હંમેશા મને શહેરમાં ભણાવવા માગતા હતા. તેથી તેઓ વારંવાર પ્રયત્ન કરતા અને મને શહેરમાં ભણવા લઈ જવા માટે નાનીને વારંવાર કહેતા. પરંતુ નાની માનતા જ ન હતા. જોતજોતામાં ત્રણ વર્ષ વીતી ગયા અને હું ચોથા ધોરણમાં આવી ગઈ.
તે ઉનાળાના વેકેશનમાં મામા ગામડે આવ્યા,રોકાયા. આ વખતે તેઓ જીદ કરીને જ બેઠા કે માનસીને હું વડોદરા લઈ જઈશ અને ત્યાં ભણાવીશ. આ વખતે નાની પણ માની ગયા અને ભણવા માટે મને શહેરમાં લાવવામાં આવી. હવે અહીંથી એટલે કે આઠ વર્ષની ઉંમરથી મારી અધોગતિની શરૂઆત થઈ ગઈ. હું વડોદરા શહેરમાં મામાને ઘેર રહેવા આવી ગઈ. શહેરમાં મામાનું ઘર ખૂબ જ નાનું હતું. એક મોટો રૂમ અને રસોડું હતા.તેમાં બીજા મામા-મામી, મોટા મામાના બે દીકરા અને નાના મામાની એક દીકરી, નાની અને હું આટલા જણ રહેતા હતા પણ મારે તો મમ્મી સાથે રહેવું હતું. મારી મરજી તો કોઈએ પૂછી જ ન હતી. કારણકે હું તો ફક્ત આઠ જ વર્ષની જ હતી.મારી વાત કોણ સાંભળે. મેં મામા સાથે જેવો તેમના ઘરમાં પ્રવેશ કર્યો ત્યાં જ નાની મામીનો ચહેરો જોઇને મારું મન ખાટું થઈ ગયું. મામીના ચહેરા પર ઘણી બધી બાબતો દેખાતી હતી. હું તેમના માટે એક બોજ હતી. મામી મારાથી નાખુશ હતા કારણ કે મામા મારુ ખાસ ધ્યાન રાખતા હતા. પ્રથમ દિવસથી જ મને ભાન થઇ ગયું હતું કે હવે મારા દિવસો બહું કપરા આવવાના છે.
માનસીની વેદન,,, ટૂંક સમયમાં.. જોતા રહો www.meragujarat.in
અમને સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ પર ફોલો કરો. Mera Gujarat