તાજેતરમાં GETCO દ્વારા આસિસ્ટન્ટ ઈલેક્ટ્રીકલની ભરતી બહાર પાડવામાં આવી હતી. ભરતીને લઈ ઉમેદવારોના પોલ ટેસ્ટ, લેખિત પરીક્ષા તથા મેડિકલ સુધીની તમામ પ્રક્રિયા GETCO દ્વારા પૂર્ણ કરવામાં આવી હતી. જો કે અચાનક જ પરીક્ષામાં ગેરરીતી થઈ હોવાને લઈ GETCO દ્વારા આસિસ્ટન્ટ ઈલેક્ટ્ર્રિકલની ભરતી રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેને લઈ ઉમેદવારોએ GETCO કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. પરીક્ષામાં થયેલી ગેરરીતી મામલે અધિકારી કર્મચારીઓની બેદરકારી કારણભૂત હતી. જેને લઈ GETCOમાં ફરજ બજાવતા જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવાના સમાચાર સામે આવી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, GETCO એ આસિસ્ટન્ટ ઈલેક્ટ્રીકલની ભરતીની તમામ પ્રક્રિયા પૂર્ણ કરી હતી. પોલ ટેસ્ટ બાદ લેખિત પરીક્ષા પણ લેવામાં આવી હતી. જેમાં 1224 જેટલા ઉમેદવારો ભરતી પ્રક્રિયાનો ભાગ હતા. મેરીટ લિસ્ટ બહાર પાડ્યા બાદ ઉમેદવારોનું મેડિકલ પણ થઈ ગયું હતું. ઉમેદવારોને લાગતું હતું કે હવે નિમણૂંક પત્રો હાથવેંત છે, ત્યાં અચાનક GETCO દ્વારા ભરતી રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. અચાનક ભરતી રદ થઈ જતાં ઉમેદવારો રોષે ભરાયા હતા. ભરતી રદ કરવા પાછળ GETCO એવું કારણ આપ્યું કે, પોલ ટેસ્ટમાં ગેરરીતી જણાઈ આવી છે. ઉમેદવારોએ આખી ભરતી રદ થઈ જતાં GETCO કચેરી વડોદરા ખારે ધરણાં પ્રદર્શન કર્યું હતું.
ઉમેદવારોના વિરોધને લઈ GETCOએ ભરતી પ્રક્રિયા ફરીથી યોજવાનો નિર્ણય કર્યો હતો. જે બાબતે પણ ઉમેદવારોએ વિરોધ નોંધાવ્યો હતો. ઉમેદવારોની રજૂઆત એવી છે કે તેઓ પોલ ટેસ્ટ ફરીથી આપવા તૈયાર છે પણ લેખિત આપવા તૈયાર નથી. પોલ ટેસ્ટમાં થયેલી ગેર રીતી માટે અધિકારી કર્મચારીઓ જવાબદાર હોવાની પણ ઉમેદવારોએ રજૂઆત કરી હતી. ભરતી પ્રક્રિયાના પોલ ટેસ્ટના નિયમોમાં વિસંગતતા કે લાપરવાહી માટે ઉમેદવારો જવાબદાર કેવી રીતે હોઈ શકે? એન્જિનિયર અને ડેપ્યુટી એન્જિનિયર કક્ષાના અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. પોલ ક્લાઈમ્બિંગ ટેસ્ટ પ્રક્રિયામાં મહેસાણા, ધાનેરાના અધિકારીઓની બેદરકારી સામે આવતા સસ્પેન્ડ કરાયા હતા. સસ્પેન્ડેડ અધિકારીઓમાં મહેસાણા ડિવીઝનના ડેપ્યુટી ઈજનેર કે. એચ. પરમાર, ધાનેરાના કાર્યપાલક ઈજનેર એસ. આર. યાદવ, મહેસાણાના કાર્યપાલક ઈજનેર બી. જે. ચૌધરી ઉપરાંત અન્ય ત્રણ અધિકારીનો સમાવેશ થાય છે. પરીક્ષા રદ્દ કરવાની પરિસ્થિતિ, જેટકો તથા સરકારની થયેલી બદનામી મુદ્દે અધિકારીઓને જવાબદાર ઠેરવી ચીફ એન્જિનિયર એ. બી. રાઠોડે છ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા હતા.