મોડાસાના માલપુર રોડ પર છાશવારે કાયદો વ્યવસ્થાની સ્થિતિને ચેલેન્જ ફેંકતા અસામાજિક તત્વો
માલપુર રોડ એક સામાન્ય લોકો કે વાહન ચાલકો માટે નહીં… અહીં તો રાત્રે થાય છે બાઈક રેસ
આડેધડ લારીઓ લગાવી દઈને મોડી રાત્રી સુધી લુખ્ખા તત્વોનો અડિંગો…!!!
અરવલ્લી જિલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ હાલ કથળી હોય તેવું સ્પષ્ટ લાગે છે. હત્યાની ઘટના હોય કે, બુટલેગરો દ્વારા કરવામાં આવતી દારૂની હેરાફેરી. હવે તો જિલ્લાના મુખ્ય મથક મોડાસામાં પણ અસામાજિક તત્વો બેફામ બન્યા છે. માલપુર રોડ વિસ્તારમાં આવેલા ગોપી વલ્લભ કોમ્પ્લેક્ષમાં 14 ફેબ્રુઆરીના રોજ મોડી રાત્રે 9 વાગ્યાથી કોઈ અગમ્ય કારણોસર બબાલ અને બોલાચાલી થતી હતી. મામલો ત્રણ કલાકથી પણ વધારે ચાલ્યો હતો. રાત્રીના 10 વાગ્યાના અરસામાં અહીં મામલો ગરમાયો હતો અને કેટલાક લોકો હાથ લારીઓ ઊંચી કરીને પટકવાનો પણ પ્રયાસ કરતા હતા. સમગ્ર મામલો છેડતીનો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.
મીડિયા કર્મચારીઓને આ અંગે જાણ થતાં માલપુર રોડ પર આવેલા ગોપી વલ્લભ કોમ્પ્લેક્ષ ખાતે પહોંચ્યા હતા, જ્યાં પત્રકારોએ પોલિસના ઉચ્ચ અધિકારીઓને ઘટના અંગે વાકેફ કર્યા હતા. જોકે, જોત-જોતામાં કેટલાક લુખ્ખા તત્વો મીડિયા કર્મચારી પર રીતસરના તૂટી પડ્યા હતા માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી. આવા લુખ્ખાતત્વોના આતંકને કારણે જ આ પ્રકારની સમસ્યાઓ મોડાસામાં સર્જાતી હોય છે ત્યારે કવરેજ કરવા માટે ગયેલા પત્રકારો પર હુમલાની ઘટનાના રાજ્યભરમાં પડઘાં પડ્યા હતા.
થોડીવારમાં પોલિસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો, જ્યાં ટોળાંને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો. તો બીજી બાજુ ઘટનાથી વિપરીત ઈજાગ્રસ્ત થયેલા પત્રકારને પ્રાથમિક સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવાયા હતા. માલપુર રોડ પર છેડતીની ઘટના વચ્ચે પત્રકાર પર થયેલા હુમલાની ઘટનાને અંગે મોડાસા ટાઉન પીઆઈ ડી.કે.વાઘેલા જણાવ્યું કે, આવા તત્વોને છોડવામાં નહીં આવે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
માલપુર રોડ પર કેમ થાય છે આ પ્રકારની ઘટના
મોડાસા નગરનો માલપુર રોડ એ પોશ વિસ્તાર ગણવામાં આવે છે, જોકે છેલ્લા ઘણાં સમયથી અહીં નાસ્તાની લારીઓ ગેરકાયદે ઊભી રહેતા અસામાજિક તત્વોનો અડ્ડો પણ બનતો ગયો છે. એટલું જ નહીં રાત્રીના સમયે આ રોડ નહીં પણ રેસિંગ ટ્રેક બની જાય છે. રસ્તાઓ પર બાઈક દોડતી નથી પણ ઉડતી નજરે પડે છે. જેથી લુખ્ખા તત્વો હવે બેફામ બનતા ગયા છે. આવા તત્વોની શાન ઠેકાણે લાવવા પોલિસે કડક વલણ અપનાવવું પણ જરૂરી છે.