મેઘરજ આઈસીડીએસ અધિકારી રૂપલબેને કહ્યું વીડિયો અમારા વિસ્તારનો છે તે પુષ્ટિ થતી નથી તેમ છતાં તપાસ કરવાના આદેશ આપ્યાં છે
Advertisement
ગુજરાતની સરકારી પ્રા.શાળાની અને આંગણવાડીના બાળકો, સગર્ભા તથા ધાત્રી માતાઓને પૌષ્ટીક આહાર આપવાની યોજનામાં કીડા પડેલા તેમજ સડી ગયેલી આહાર વસ્તુઓ અપાતી હોવાની અનેક ફરિયાદો સતત ઉઠી રહી છે આંગણવાડી અને સરકારી પ્રાથમિક શાળાઓમાં અપાતા ભોજન અને ફૂડ પેકેટમાં ભારે ભ્રષ્ટાચાર આદરવામાં આવતો હોવાની બૂમો પડી રહી છે ત્યારે અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આંગણવાડી કેન્દ્ર દ્વારા ધાત્રી માતાઓને વિતરણ કરવામાં આવેલ ચણાના પેકેટમાં જીવાત ખદબદતી જોઈ અનેક ધાત્રી માતાઓ સમસમી ઉઠી હતી એક જાગૃત વ્યક્તિએ સડેલા ચણાના પેકેટનો વીડિયો ઉતારી સોશ્યલ મીડિયામાં વાયરલ કરતા તંત્ર દોડતું થયું હતું.
મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર અંતર્ગત સંકલીત બાળ વિકાસ સેવા યોજનામાં આઇ.સી.ડી.એસ.ના લાભાર્થી સગર્ભા સ્ત્રીઓ અને ધાત્રી માતાઓને વિવિધ અનાજના શક્તિશાળી બનાવેલ મિશ્રણના તેમજ કઠોળના પેકેટ વિનામુલ્યે આપવામાં આવે છે. અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આંગણવાડી દ્વારા ધાત્રી માતાઓએને આપેલ ચણાના પેકેટ માં રહેલ ચણાનો જથ્થો હલકી કક્ષાનો અને જીવાત થી ખદબદતો હોવાથી ધાત્રી માતાઓમાં ભારે રોષ ફેલાયો છે ચણાના પેકેટ મધ્યપ્રદેશ ના ગ્વાલિયર શહેરના વર્ધનામ એગ્રો ફૂડ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા પૂરો પાડવામાં આવ્યો હોવાનું દર્શાવ્યું છે ધાત્રી માતાઓ તેમજ નવજાત શિશુઓના સ્વાસ્થ્ય સાથે ખીલવાર કરનાર ચણાનો જથ્થો પૂરો પાડનાર ઉત્પાદક સામે તપાસ તથા કાર્યવાહી કરવામાં આવેની માંગ પ્રબળ બની છે