દેશમાં લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ગુજરાતમાં રાજ્યના અલગ અલગ સરકારી વિભાગો દ્વારા પોતાના પડતર પ્રશ્નોની માગને લઈને આંદોલન શરૂ કરવામાં આવી રહ્યા છે. ત્યારે જુની પેન્શન યોજના સહિતની 15 જેટલી પડતર માંગણીઓને લઈ રાજયના શિક્ષકો દ્વારા સતત આંદોલન કરવામાં આવી રહ્યા છે શિક્ષકોની જૂની પેન્શન યોજના સહિતની પડતર માંગણી અંગે સરકાર કોઇ જ નિર્ણય લેવામાં આવતો નહીં હોવાથી ગુજરાતના શિક્ષકોએ ગાંધીનગરમાં આંદોલન રૂપી માંગ કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આવેદનપત્ર આપ્યુ હતુ આ આંદોલનમાં અરવલ્લી જિલ્લાના પ્રાથમિક શિક્ષકો મોટી સંખ્યામાં જોડાયા હતા ન્યાય નહીં મળે તો આગામી ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી
રાજ્યભરના શિક્ષકો છેલ્લા ઘણા સમયથી જૂની પેન્શન યોજના તથા પ્રશ્નોને લઈને સરકારને અનેક રજૂઆત કરી ચૂક્યા છે. જેમાંથી સરકાર સાથે બેઠક કરીને કેટલીક માગણીઓ પૂરી કરવા માટે સરકારે બાંહેધરી આપી હતી. પરંતુ તે અંગે હજુ સુધી સરકાર દ્વારા કોઈ પરિપત્ર કરવામાં આવ્યો નથી. ગુજરાતમાં જૂની પેન્શન યોજના સહિતની પડતર માગણીઓને લઈને કર્મચારીઓ સરકાર સામે લડત આપી રહ્યા છે. રાજ્યનાં જુદાં-જુદાં સરકારી ખાતાંના કર્મચારીઓ છેલ્લા કેટલાય સમયથી સરકાર સામે વિવિધ આંદોલનો કરીને પોતાના પ્રશ્નો હલ કરવા લડત લડી રહ્યા છે શુક્રવારે સમગ્ર રાજ્ય અને અરવલ્લી જિલ્લામાંથી મોટી સંખ્યામાં શિક્ષકો ગાંધીનગર સચિવાલયમાં આવેદનપત્ર અપાવા પહોચતાં પોલીસે અટકાયત કરી લીધી હતી
ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ તથા ગુજરાત રાજ્ય સંયુકત કર્મચારી મોરચાના આદેશ અનુસાર ગત મહિનામાં સરકારી કર્મચારીઓએ કાળી પટ્ટી પહેરીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો. આ ઉપરાંત કાળાં વસ્ત્રો પહેરીને પણ ફરજ બજાવી હતી. આ સિવાય કર્મચારીઓ દ્વારા ગાંધીનગરમાં ધરણાં પ્રદર્શન યોજી પેન ડાઉન ચોક ડાઉન કરીને પણ સરકારની નીતિનો વિરોધ કરાઈ ચૂક્યો છે. તેમ છતાં સરકારના પેટનું પાણી નહીં હલતાં આજે ફરીવાર કર્મચારીઓ મોટી સંખ્યામાં ગાંધીનગર ઊમટી પડ્યા છે. જૂની પેન્શન સ્કીમ, ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરી કાયમી ભરતી કરવા, કેન્દ્રના ધોરણે પગાર પંચ, જીપીએફમાં કર્મચારીના 10 ટકા સામે સરકાર 14 ટકા રકમ જમા કરાવે સહિતના પડતરના પ્રશ્ને કર્મચારીઓ ભારે સૂત્રોચારો કરી વિરોધપ્રદર્શન કરી રહ્યા છે.