મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ માં સરકારે યુવાઓને બેરોજગારી ભથ્થું આપવાની જાહેરાત કરી છે, બંન્ને રાજ્યમાં ભાજપ સરકાર છે ત્યારે ગુજરાતમાં પણ આવી જ જાહેરાત કરવામાં આવે, તેવી માંગ ઉઠવા પામી છે. આ માંગ અરવલ્લી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી છે અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આપ પાર્ટી નું કહેવું છે કે, મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર છે અને એ સરકાર મધ્યપ્રદેશની દિકરીઓને દર મહિને 1000 રૂપિયાની સહાયતા કરે છે. આ મુદ્દે ભાજપે બબ્બે વખત ચૂંટણીઓ પણ લડી છે.
તેમણે આવેદનપત્રમાં ઉમેર્યું હતું કે, તાજેતરમાં જ મહારાષ્ટ્રની ભાજપ સમર્થીત સરકારે પણ આ જ પ્રકારની જાહેરાત કરી છે કે શિક્ષિત યુવાનોને એમની શૈક્ષણિક લાયકાત પ્રમાણે 6000, 8000 અથવા 10000નું વળતર સરકાર દ્વારા આપવામાં આવશે.
ગુજરાતની પ્રજા તો છેલ્લા 30-30 વર્ષથી ભાજપને બહુમતી આપે છે, છેલ્લી ચૂંટણીમાં તો 156 બેઠકો આપી છે તો ગુજરાતના યુવાન દિકરા-દિકરીઓને આ સહાયતા કેમ નહીં? ગુજરાતના યુવાન દિકશ-દિકરીઓ પણ બેરોજગારીથી પીડાય છે, પૈસાના અભાવે અભ્યાસ છોડી દે છે. તો ગુજરાતના યુવાન દિકરા-દિકરીઓનો શું દોષ છે કે એમની સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે ?
વળી, ભાજપના નેતાઓ તો તમામ ભાષણોમાં સબકા સાથ, સબકા વિકાસની અને એક ભારત, શ્રેષ્ઠ ભારતની વાતો કરે છે. એક જ દેશના બે યુવાનો વચ્ચે આવો ભેદભાવ કેમ ?
ગુજરાતના તમામ યુવાન દિકરા-દિકરીઓ વતી અમારી માંગણી છે કે ગુજરાતના દિકરા-દિકરીઓને પણ આ પ્રકારની સહાયતા દર મહિને આપવામાં આવે તેવી ઉગ્ર માંગ સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.