ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનીએ કહ્યું છે કે ઈરાન અને “ધ રેજિસ્ટ્રેન્ટ ફ્રંટ” સામેની કાર્યવાહી માટે ઈઝરાયલ અને અમેરિકાને “જડબાતોડ જવાબ” મળશે. શનિવારે તેહરાનમાં વિદ્યાર્થીઓને સંબોધતા ખામેનીએ ચેતવણી આપી હતી કે ઈરાન અને પશ્ચિમ એશિયાઈ રેજિસ્ટ્રેન્ટ ફ્રંટ પર હુમલા માટે ઈઝરાયલ અને તેના મુખ્ય સમર્થક યુનાઈટેડ સ્ટેટ્સને સજા આપવામાં આવશે.તેમણે કહ્યું કે, દુશ્મનોને ચોક્કસપણે જવાબ મળશે જે તેઓ યાદ રાખશે.
અમેરિકા અને તેના સહયોગીઓ તરફ ઈશારો કરતા ખામેનીએ એમ પણ કહ્યું કે, ઈરાન લશ્કરી, રાજકીય અને અન્ય માધ્યમોથી “વૈશ્વિક અહંકાર” નો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.
તેમણે ઈરાની લોકોને “વૈશ્વિક અહંકાર” સામે ખચકાટ વિના લડવા હાકલ કરી હતી. ગાઝા અને લેબનન પર તાજેતરના ઇઝરાયલી હુમલાઓનો ઉલ્લેખ કરતા, ખામેનીએ કહ્યું કે આ હુમલાઓ માટે યુએસનું સમર્થન યુએસ માનવાધિકાર દાવાઓની “બેવડી નીતિ” છતી કરે છે.
ગયા અઠવાડિયે, ઇઝરાયલ સંરક્ષણ દળોએ જાહેરાત કરી હતી કે ઇરાનનાં તાજેતરના હુમલાઓના જવાબમાં તેઓએ ઇરાનમાં “ચોક્કસ અને લક્ષ્યાંકિત” હવાઈ હુમલા કર્યા હતા. ઈરાનના એર ડિફેન્સ હેડક્વાર્ટરે કહ્યું કે તેઓએ આ ઈઝરાયલી હુમલાઓનો અસરકારક રીતે સામનો કર્યો અને માત્ર “મર્યાદિત નુકસાન” સહન કર્યું.
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે લાંબા સમયથી દુશ્મનાવટ છે, જે ગયા વર્ષે 7 ઓક્ટોબરે હમાસના હુમલા અને ગાઝા પર ઈઝરાયલના આક્રમણ બાદ વધી ગઈ હતી. ઇઝરાયલ દક્ષિણ લેબનનમાં હિઝબોલ્લાહ સામે લડ્યું છે અને તાજેતરમાં મધ્ય ઇઝરાયલના શહેર તિરામાં સીમાપારથી થયેલા હુમલામાં 19 લોકો ઘાયલ થયા છે. ખામેનીના નિવેદનો ઈઝરાયલના તાજેતરના હુમલાના એક અઠવાડિયા પછી આવ્યા છે, જે ઈરાનના 1 ઓક્ટોબરના મિસાઈલ હુમલાના જવાબમાં હતા.