અંકિત ચૌહાણ/જય અમીન
અરવલ્લી જિલ્લાના માલપુરમાં વેપારી પર હુમલો કરવાની ઘટનાને લઇને, માલપુર પોલિસે ગણતરીને કલાકોમાં બંન્ને હુમલાખોરોને દબોચી લીધા છે. 19 નવેમ્બરના રોજ માર્કેટ યાર્ડમાં સામાન્ય વાત પર ઉશ્કેરાઈ ગયેલો ધમો અને બુચ્ચો વેપારી પર રીસતર વરસી પડ્યા હતા. હાથમાં જે આવ્યું તે, વસ્તુ લઇને વેપારીને માર માર્યો હતો, જેને લઇને સમગ્ર વેપારી આલમમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. 20 નવેમ્બરના રોજ વેપારીઓ બંધ પાડી પોતાની નારાજગી દર્શાવી હતી અને માલપુર પોલિસ ઇન્સ્પેક્ટરને લેખિતમાં રજૂઆત કરી હતી.
સમગ્ર ઘટનાની ગંભીરતા જોઈએ અરવલ્લી જિલ્લા પોલિસ વડા શૈફાલી બારવાની સૂચનાથી માલપુર પી.આઈ. કે.ડી. ગોહિલની ટીમ દ્વારા હુમલાખોરોને ઝડપી પાડવા કવાયત તેજ કરવામાં આવી હતી. આરોપીઓ ઘટનાને અંજામ આપીને ફરાર થઈ ગયા હતા, જેને લઇને માલપુર પોલિસ દ્વારા બંન્ને હુમલાખોર આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમ બનાવાઈ હતી. માલપુર પોલિસ જ્યારે હુમલાખોર આરોપીઓની શોધમાં હતી, ત્યારે ચોક્કસ બાતમી હતી કે, આરોપીઓ મહિસાગર જિલ્લાના વિરપુર મુકામે છે, જે ચોક્કસ બાતમીના આધારે (1) દિનેશભાઇ ઉર્ફે બુચ્ચો બાબુભાઇ પગી અને (2) ધર્મેદ્રભાઇ ઉર્ફે ધમો ઉર્ફે રોકી સોમાભાઇ પગી બન્ને રહે.માલપુર (ગુગલી વિસ્તાર) તા.માલપુર જી.અરવલ્લી ને દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી કરી છે.
અરવલ્લી જિલ્લામાં આ પ્રકારની ઘટનાઓ ન થાય તે માટે પોલિસે આવા તત્વો પર દાખલો બેસાડવો જોઈએ, જેથી જિલ્લાના કોઈપણ વિસ્તારમાં આવી ઘટનાને અંજામ આપવાનો વિચાર પણ ન આવે.