અંકિત ચૌહાણ/જય અમીન
અરવલ્લી જિલ્લાના માલપુરમાં રોફ જમાવનાર ધમો અને બુચ્ચા ને પોલિસે કાયદાનો પાઠ ભણાવી દેતા, હવે બંન્ને આરોપીઓ બિલાડી બની ગયા છે. માલપુરના એપીએમસી માર્કેટમાં આરોપીઓએ પોતે માલપુરના સમ્રાટ હોય તેવી રીતે રોફ જમાવી દીધો હતો અને વેપારી પર હુમલો કર્યો હતો. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જેને લઇને પોલિસ વડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ માલપુર પીઆઈ. કે.ડી. ગોહિલની ટીમે આરોપીઓને મહિસાગર જિલ્લાના વિરપુરથી ઝડપી પાડ્યા હતા. આરોપીઓએ ઘટનાને કેવી રીતે અને કેમ અંજામ આપ્યો, તેને લઇને પોલિસે રીકન્સ્ટ્રક્શન કર્યું હતું. માલપુર પોલિસના ઝાપ્તા સાથે આરોપીઓને ઘટનાસ્થળે લઇ જઈ રીકન્સ્ટ્રક્શન કર્યું હતું.
19 નવેમ્બરના રોજ માર્કેટ યાર્ડમાં સામાન્ય વાત પર ઉશ્કેરાઈ ગયેલો ધમો અને બુચ્ચો વેપારી પર રીસતર વરસી પડ્યા હતા. હાથમાં જે આવ્યું તે, વસ્તુ લઇને વેપારીને માર માર્યો હતો, જેને લઇને સમગ્ર વેપારી આલમમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. 20 નવેમ્બરના રોજ વેપારીઓ બંધ પાડી પોતાની નારાજગી દર્શાવી હતી અને માલપુર પોલિસ ઇન્સ્પેક્ટરને લેખિતમાં રજૂઆત કરી હતી. સમગ્ર ઘટના પછી પોલિસે આરોપીઓને ઝડપી પાડી ગુરૂવારના દિવસે રીકન્સ્ટ્રક્શન કરતા, લોકોએ પોલિસની કામગીરીને બિરદાવી હતી.
ઝડપાયેલા આરોપી
(1) દિનેશભાઇ ઉર્ફે બુચ્ચો બાબુભાઇ પગી અને
(2) ધર્મેદ્રભાઇ ઉર્ફે ધમો ઉર્ફે રોકી સોમાભાઇ પગી બન્ને રહે.માલપુર (ગુગલી વિસ્તાર) તા.માલપુર જી.અરવલ્લી