મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયે છે, આ સાથે જ ગુજરાત ની બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભાની યોજાયેલી ચૂંટણીના પરિણામો પણ જાહેર થયા છે, જેમાં ભાજપે ભારે રસાકસી પછી જીત મેળવી છે.
વાવ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીમાં ભાજપના સ્વરૂપજી ઠાકોરે જીત મેળવી છે. 23માં રાઉન્ડના અંતે ભાજપના સ્વરૂપજી ઠાકોરે 1300 મતે કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતને હરાવ્યા છે. 14 રાઉન્ડ સુધી કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત આગળ હતા. જોકે, 14 રાઉન્ડ પછી ભાજપના સ્વરૂપજી ઠાકોર સતત કોંગ્રેસની લીડ કાપતા જોવા મળ્યા હતા. 23માં અંતિમ રાઉન્ડના અંતે ભાજપના સ્વરૂપજી ઠાકોરે અંતે કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતને હરાવ્યા હતા.
આ ચૂંટણીમાં ભાજપ તરફથી સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂત મેદાનમાં હતા જ્યારે ભાજપના બળવાખોર એવા માવજી પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. આ બેઠક પર સવા બે લાખ જેટલા મતો પડ્યાં હતા.