અંકિત ચૌહાણ/જય અમીન
અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાંથી એક બાળકી ગુમ થયાના સોશિયલ મીડિયા પર મેસેજ ફરતા થયા હતા, શનિવારના દિવસે સમગ્ર ઘટના સામે આવી હતી, જેને લઇને અરવલ્લી જિલ્લા પોલિસે ઘટનાની ગંભીરતા દાખવી હતી અને ભિલોડા પોલિસ મથકે 9 વર્ષ અને 7 મહિનાની બાળકીના અપહરણનો ગુનો દાખલ થયો હતો. ભીલોડા પોલિસ સ્ટેશન ખાતે નોંધાયેલ અપહરણના ગુનાને લઇને પોલિસે શોધખોળ કરીને બાળકીને 24 કલાક ની અંદર મેઘરજ વિસ્તારના (બાંઠીવાડા) મુકામેથી સહી સલામત શોધી કાઢતી કાઢવામાં લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને સફળતા મળી છે.
તારીખ 24 નવેમ્બરના રોજ ભિલોડા પોલિસ સ્ટેશન વિસ્તારમાંથી 9 વર્ષ 7 માસ 27 દિવસની બાળકીના અપહરણનો ગુનો દાખલ થયો હતો. ઘટનાની ગંભીરતા જોઈ અરવલ્લી જિલ્લા પોલિસ વડા શૈફાલી બારવાલની માર્ગદર્શન હેઠળ, પોલિસની વિવિધ ટીમને જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા. બાળકીને તાત્કાલિક શોધી કાઢવા માટે અરવલ્લી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચની પી.આઈ. એચ.પી. ગરાસિયા તેમજ તેમની ટીમ કામે લાગી હતી.
અરવલ્લી જિલ્લા એલ.સી.બી પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમ બનાવી ગુમ થનાર બાળકીને શોધી કાઢવા માટે રાત દિવસ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. કેટલાય સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા. આ સાથે જ ગુમ થયેલ બાળકીના ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયાના માધ્યમથી વાઈરલ કરવામાં આવ્યા હતા. પોલિસે અંગત બાતમીદાર રોકી ગુમ થનાર બાળકી અંગે બાતમી હકીકત મેળવવા તજવીજ હાથ ધરી હતી. ત્યારે બાળકી મેઘરજ તાલુકામાં હોવાની જાણકારી મળી હતી. ગુમ થયેલ બાળકો મેઘરજ તાલુકાના બાંઠીવાડા મુકામે હોવાની બાતમી અરવલ્લી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચને મળી હતી. પોલિસે હકીકત મેળવી એલ.સી.બી. ટીમ બાંઠીવાડા મુકામેથી પહોંચી ગુમ થનાર બાળકી સહી સલામત શોધી કાઢી તેના માતા પિતા સાથે મીલન કરાવ્યું હતું.
ગુમ થયેલ બાળકીને માતા-પિતાએ ભિલોડા ખાતેની હોસ્ટેલમાં અભ્યાસ અર્થે મુકેલ હતી જયા હોસ્ટેલમાં તેનુ મન લાગતુ ન હોઈ મરજીથી હોસ્ટેલમાં કોઇને કાંઇ પણ કહ્યા વગર જતી રહી હતી. બાળકી ત્યાંથી એક બસમાં પહોંચી ગઈ હતી, જ્યાં એક મહિલાને મળતા, મહિલા પાસે પહોંચી હતી, મહિલા પોલિસને જાણ કરે તે પહેલા જ પોલિસે બાળકીને શોધી કાઢવામાં સફળતા મળી હતી. અરવલ્લી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે 24 કલાકની અંદર જ ગુમ થયેલ બાળકીને શોધી કાઢવામાં સફળતા મળી હતી.