અરવલ્લી-સાબરકાંઠા જિલ્લામાં પોંઝી સ્કીમની દુકાનો ધમધમતી હતી, ત્યારે સીઆઈડીના દરોડા પછી, તમામ દુકાનોને હાલ ખંભાતી તાળા લાગી ગયા છે. અરવલ્લી જિલ્લાના મોડાસા, માલપુર, મેઘરજ, બાયડ અને સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર, ઈડર, પ્રાંતિજ, ગાંભોઈ સહિતના વિસ્તારોમાં જે દુકાનોમાં પોંઝીનો ખેલ ચાલતો હતો, તે હાલ તો બંધ છે જોકે, બીઝેડ જેવી ચાલતી અન્ય દુકાનો બંધ છે.
અરવલ્લી જિલ્લામાં આવી જ એક મોટી પોંઝી દુકાન, જેની સાથે મોટા માથા હતા, અને નવરાત્રી સમયે મોટા ઉપાડે, રોકાણકારોના પૈસે, કલાકારોને બોલાવ્યા હતા, તે હવે કદાચ જોવા નહીં મળે. આવું એટલા માટે કે, મોડાસા માં ચાલતી આર.કે.એન્ટરપ્રાઈઝ નામની દુકાન મોડાસાના હજીરા વિસ્તારમાં આવેલા શાંતમ કોમ્પ્લેક્ષમાં ચાલતી હતી, જોકે સીઆઈડીની જેવી આવી કે, તરત જ દુકાનના પાટિયા પડી ગયા અને તાળા લાગી ગયા છે. જે હરપલ નવરાત્રીમાં ફોટા પડાવતો હતો, આયોજકોની વાહવાહી લૂંટતો હતો, તે આજે ભૂગર્ભમાં ઉતરી ગયો હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. એટલું જ નહીં, આર.કે.એન્ટરપ્રાઈઝ ના સંચાલકો ઉઠામણું કરીને ગાયબ થઈ ગયા હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. જો સબ સલામત હોય તો, દુકાનોના પાટિયા કેમ ઉતારી લેવા પડ્યા ? કેમ દુકાનને ખંભાતી તાળા મારી દેવા પડ્યા ? આવા સવાલો લોકો ઉઠાવી રહ્યા છે.