અંકિત ચૌહાણ/જય અમિન
અરવલ્લી જિલ્લામાં હાલ ખાતરની અછત વર્તાઈ રહી છે, જેને લઇને ખેડૂતોને હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ભિલોડા તાલુકાના શામળપુર ખાતે યુરિયા ખાતરની અછતને લઇને ખેડૂતોએ આક્રોશ ઠાલવ્યો હતો. ખાતરની અછત પાછળ ખેડૂતોએ ગંભીર આક્ષોપે કર્યા હતા. ખેડૂતોનું કહેવું છે કે, રૂપિયા લઈને ખાતર ભરેલી ગાડીઓ, મળતિયાઓને આપી દેવામાં આવી રહી છે, જેને લઇને દોઢ મહિનાથી, તેમને ખાતર મળતું નથી. એટલું જ નહીં ખેડૂતોનો એવો પણ દાવો છે કે, ખાનગી દુકાનોમાં ખાતર પહોંચી જાય છે, પણ સેવા સહકારી મંડળીમાં ખાતર પહોંચતું જ નથી. ખાતરની અછતને લઇને ઘઉંના પાક પર ખતરો મંડરાતો હોવાની ચિંંતા ખેડૂતોએ વ્યક્ત કરી છે.
મોડાસા તાલુકામાં આવેલા વિવિધ કેન્દ્રો પર એક ટ્રક ખાતરનો જથ્થો આવતા, ખેડૂતોને આપવામાં આવ્યો હતો. મોડાસાના મેઘરજ બાયપાસ રોડ પર આવેલા જિલ્લા સંઘના કેન્દ્ર પર ટોકન આપીને ખેડૂતોને યુરિયા ખાતર આપવાની કામગીરી હાથ ધરાઈ હતી. ખેડૂતોનું કહેવું છે કે, પૂરતા પ્રમાણમાં ખાતરનો જથ્થો મળી રહે, તેવી વ્યવસ્થા સરકાર દ્વારા કરવી જોઈએ.
કોઈપણ ઋતુ હોય, ખેડૂતોને હાલાકીઓનો સામનો કરવો પડતો હોય છે, હાલ તો, ઘઉં સહિતના પાકો માટે જીવનદાન એવા યુરિયા ખાતરની તંગીને લઇને ખેડૂતોમાં આક્રોશ છે, જોકે યુરિયાનો જથ્થો, ક્યારે અને કેવી રીતે પુરો પડાશે, તે એક સવાલ છે.