ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં પોંઝી ની માયાઝાળમાં કેટલાય લોકો ફસાયા છે, આ વચ્ચે કડક તપાસ સીઆઈડી દ્વારા કરવામાં આવતી હતી. જોકે બે દિવસથી તપાસ જાણે ઢીલી કરી દેવાઈ હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી જાહેર મંચ અને મીડિયાને કહેતા હતા કે, કોઈપણ ચમરબંધીને છોડવામાં નહીં આવે. મીડિયા બાઈટ્સ માં જણાવ્ય પછી, ગણતરીના દિવસોમાં જ સીઆઈડીના બે અધિકારીઓની બદલી કરી નાખવા આવતા, તપાસને ઢીલી કરવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.
રાજકુમાર પાંડિયન,ADGP,CID
સંજય ખરાત, SP, CID
અરવલ્લી-સાબરકાંઠા જિલ્લામાં ઠેર ઠેર પોંઝી દુકાનો ચાલતી હતી, જેને લઇને પોંઝીના તાર, નેતાઓ અને મળતિયાઓ સુધી પહોંચતા હોવાની આશંકાઓ વચ્ચે અચાનક એસ.પી. કક્ષાના અધિકારીઓની બદલીનો દોર શરૂ થયો હતો, જેમાં સીઆઈડીના અધિકારી રાજકુમાર પાંડિયન અને એસ.પી. સંજય ખરાતની બદલી કરી દેવાઈ છે. હવે તપાસ કેવી અને કેમ ચાલશે તેના પર સવાલો ઉઠી રહ્યા છે.
અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં પોંઝી દુકાન સંચાલકો અને કહેવાતા સીઈઓ સામે ગુનો દાખલ થયાના કેટલાય દિવસો પછી પોલિસે દુકાનોમાં તપાસ કરી હતી, ત્યાં સુધીમાંથી કહેવાતા સીઈઓ અને તેમના મળતિયાઓએ દુકાનો ખાલી કરી દીધી હતી, જેને લઇને દુકાનોમાં કોઈ જ પુરાવા સીઆઈડીના હાથે ન લાગ્યા હોવાની વિગતો મળી છે. આ વચ્ચે રાજ્યકક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભિખુસિંહ પરમારે એક મીડિયા ચેનલને આપેલા ઈન્ટર્વુયમાં જણાવ્યું કે, કોઈપણ વ્યક્તિની સંડોવણી હોય તે કાર્યવાહી થવી જ જોઈએ.
મીડિયા કર્મીએ પ્રશ્ન પૂછ્યો કે, તમારા દીકરા બીઝેડમાં એજન્ટ તરીકે કામ કરતા હોવાની ચર્ચાઓ ચાલી છે, જેના જવાબમાં તેમણે જણાવ્યું કે, આમાં સત્યતા હોય, તે તેની સામે પણ કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ. સીઆઈડીની ટીમ દ્વારા કડક અને ઝીણવટભરી તપાસ કરવામાં આવતી હતી, જોકે બે અધિકારીઓની અચાનક બદલી કરી દેવાતા, અને સવાલો હવે ઉઠી રહ્યા છે. આ સાથે જ વાયુવેગે સમાચારો પ્રસરી રહ્યા છે કે, પોંઝી સ્કીમને લઇને બે યુવા નેતાઓના પાસપોર્ટ પણ જપ્ત કરી લેવાયા છે, જોકે આ અંગે કોઈ પુષ્ટી થઈ નથી.
ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીના છાશવારે આવતા નિવેદન કે, કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે, તેના મીમ સોશિયલ મીડિયામાં હવે ચાલે તો નવાઈ નહીં. કારણ કે, આ નિવદેન પછી તુરંત જ સીઆઈડીના અધિકારીઓની બદલી કરી દેવાઈ છે.