અંકિત ચૌહાણ/જય અમીન
રાજ્ય તેમજ દેશના વિકાસ માટે રીયલ એસ્ટેટ સેક્ટર પ્રબળ ભાગ ભજવે છે ત્યારે જંત્રીમાં ધરખમ વધારો કરવાને લઇને હવે બ્લિડર એસોસિએશન માં નારાજગી જોવા મળી રહી છે. બ્લિડર એસોસિએશનનું કહેવું છે, આનાથી ગ્રોથ એન્જિન નબળું પડી શકે છે અને જે પરિવારો પોતાના ઘરના ઘરનું સ્વપ્ન જોઈ રહ્યા છે તે, કદાચ સાકાર થશે નહીં. દેશના સર્વાંગી વિકાસમાં બાંધકામ વ્યવસાય સૌથી વધુ પ્રદાન આપી રહેલ મહત્વનું સેકટર છે, જેની સાથે 280 થી વધુ નાની મોટી ઇન્ડસ્ટ્રીઝ નભે છે અને શહેરી વિસ્તારોમાં વધુ સૌથી વધુ રોજગારીની તકોનું સર્જન કરવાની સાથે નાગરિકોને પાયાની જરૂરિયાત પૈકી સૌથી અગત્યની મકાનની જરૂરિયાત પૂર્ણ કરે છે. આથી જ રીયલ એસ્ટેટસેક્ટરને રાજ્ય તથા દેશના ગ્રોથ એન્જિન તરીકે ગણવામાં આવતું હોવાનું બિલ્ડર એસોસિએશન માની રહ્યું છે.
જંત્રીમાં ધરખમ વધારાને લઇને અરવલ્લી ક્રેડાઈ બાંધકામ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી. અરવલ્લી બિલ્ડર એસોસિએશન ને જિલ્લા કલેક્ટરને રજૂઆત કરતા જણાવ્યું કે, સરકાર દ્વારા હજુ થોડા સમય પહેલા જ જંત્રીના દરમાં ધરખમ વધારો કરેલ હોવા છતાં પ્રવર્તમાન દરમાં 200% થી 2000% નો તોતિંગ અને અસહ્ય ધરખમ વધારો કરવામાં આવ્યો છે જેની સૂચિત જંત્ર તા. 20/11/2024 ના રોજ બહાર પાડી છે. તેમનું કહેવું છે કે, રાજ્યમાં આશરે 40,000 થી વધુ વેલ્યુઝોન છે અને આ જંત્રી ફરી તૈયાર કરવા માટે સરકારે પોતાની તમામ ટેકનીકલ ટીમ અને મશીનરીના સહયોગ હોવા છતાં 18 માસનો સમય થયો છે. આમ છતાં તે અંગેના વાંધા રજુ કરવા અંગે ફક્ત ઓનલાઈન પોર્ટલની સુવિધા ઉપલબ્ધ છે અને તે માટેનો સમય ફક્ત 30 દિવસનો જણાવ્યો છે. રાજ્યના મોટા ભાગની ખેડૂત અને સામાન્ય પ્રજાજનોને આ અંગેની પ્રક્રિયાની જાણકારી સુદ્ધા નથી વધુમાં ઘણા કિસ્સાઓમાં દર્શાવેલ દર હાલની બજારની વાસ્તવિક સ્થિતિથી ઘણા વધુ છે. આમ કોઈ પણ જોતાઆ જંત્રી સાયન્ટીફીક રીતે તૈયાર કરેલ હોવાનું જણાતું નથી અને તેના અમલથી સરવાળે ખેડત, મિલકત ખરીદનાર સામાન્ય પ્રજાજનો અને વિકાસકર્તા ઉપર વધારાનું અતિશય આર્થિક ભારણ વધશે જેનાથી રાજ્યના વિકાસની ગતિ અવરાધાશે તેવું અમો સ્પષ્ટ માનીએ છીએ.
અરવલ્લી જિલ્લા બિલ્ડલ એસોસિએશનને એક દાખલો આપતા જણાવ્યું કે, મોડાસા શહેરની છેવાડા વિસ્તારની ખેતીની જે જમીન છે, જેનો ભાવ 600 રૂપિયા હતો, જેનો ભાવ જંત્રી વધવાને કારણે, 10,200 રૂપિયાનો ભાવ થઈ ગયો છે. 1500 થી 1600 રૂપિયાનો તોતિંગ ભાવ વધારો થવાને કારણે ગ્રાહકો પર તેની સીધી વિપરિત અસર પડશે. તેમણે ઉમેર્યું કે, પહેલા જે મકાન અથવા તો પ્રોપર્ટિનો દસ્તાવેજ 600 રૂપિયામાં થતો હતો, તેનો ભાવ હવે 10 થી 15 હજાર રૂપિયા થશે. આવી જ રીતે વાણિજ્યનો ભાવ પણ વધારો થયો છે, જેની સીધી અસર અને ભાર ગ્રાહકો પર પડશે.
બિલ્ડર એસોસિએશનની કેટલીક માંગણીઓ જિલ્લા કલેક્ટર અને રાજ્ય સરકાર સમક્ષ મુકી છે, જેમાં
1. હાલમાં વાંધા સુચન રજુ કરવા અંગે જાહેર કરેલ અંતિમ તારીખ લંબાવીને તા. 31/03/2024 કરવામાં આવે.
2. વાંધા સુચનો રજુ કરવા ઓનલાઈન તથા ઓફલાઇન બંને વ્યવસ્થા કરવી જોઈએ.
3. રાજ્યના વિવિધ વિસ્તારોની વાસ્તવિક પરિસ્થિતિ અને જમીનની બજાર કિંમતને ધ્યાને લઈને સાયન્ટિફિક રીતે જંત્રીના દરો પારદર્શક લોકાભિમુખબને તે હેતુથી સંસ્થાગત અભિપ્રાય રજુ કરવાનીતક આપવામાં આવે.
4. સૂચિત જંત્રીમાં દર્શાવેલ બે ગામ કે બે ઝોનને અડીને આવતી અલગ અલગ ગામ કે ઝોનની જમીનો અંગે દર્શાવેલ સૂચિત દરમાં ખુબ જ અસમાનતા છે. આથી દરેક વેલ્યુ ઝોનની સાથે તેના નકશાઓ પણ જાહેર કરવા જોઈએ. જેથી આવા અસામાન દરની સરખામણી કરીને સ્થિતિને અનુરૂપ વાસ્તવિક દર મેળવી શકાય.