અરવલ્લી જિલ્લામાં પોંઝી દુકાનોનો જાણે રાફડો ફાટી નિકળ્યો હોય તેવું લાગે છે. વધુ બે પોંઝી દુકાનના પાટિયા પડી જતાં, ઉઠામણું થયાની ચર્ચાઓ ચાલી રહી છે. મોડાસાના બાયપાસ રોડ પર આવેલી બે કંપનીના શટર પડી ગયા છે, જેમાં કથિત રીતે ઓમટેક અને એ.આર. કન્સલ્ટન્સીના નામ સામે આવ્યા છે. બન્ને દુકાનના સંચાલકો કથિત રીતે પોંઝી દુકાનો ચલાવતા હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. રોકાણકારો પાસે પૈસા રોકાણ કરાવી, મહિને 5 થી 22 ટકા સુધીનુ વ્યાજ આપતા હતા. જે રોકાણકારો આ બન્ને કંપનીમાં રોકાણ કરે, તો, તેમને મોંઘી ગિફ્ટ આપતા હતા, જેના ફોટોગ્રાફ્સ પણ વાઈરલ થયા છે. આ બંન્ને કંપનીઓના સંચાલકોએ કરોડો રૂપિયાનું રોકાણ કરાવ્યું હોવાની ચર્ચાઓ શરૂ થવા લાગી છે.
બીઝેડ, આર.કે.એન્ટરપ્રાઈઝ, હરિસિદ્ધિ ફાઈનાન્સિયલ સર્વિસ પર સીઆઈડીની કાર્યવાહી વચ્ચે કથિત ઓમ ટેક અને એ.આર.કન્સલ્ટન્સીના શટર પડી જતાં, હવે લોકોએ રાતા પાણીએ રોવાનો વારો આવે તો નવાઈ નહીં. અત્યાર સુધી બંન્ને પોંઝી દુકાનો ચાલતી હતી, જોકે બીઝેડ સ્કેમ બાદ સંચાલકોએ પુરાવા નાશ કરીને ભૂગર્ભમાં ઉતરી ગયા છે. હાલ દુકાનો પર શટર જોવા મળી રહ્યા છે અને સંચાલકો પલાયન થઈ જતાં, અનેક સવાલો ઉઠી રહ્યા છે.