અરવલ્લી-સાબરકાંઠા જિલ્લામાં ખેડૂતોની મુશ્કેલીઓ ઓછી થવાને બદલે જાણે વધતી હોય તેવું લાગે છે. પહેલા અરવલ્લી જિલ્લામાં રાત્રીએ વીજળી આપવામાં આવતા, ખેડૂતોને ઉજાગરા કરવા પડતા હતા, તો હવે અરવલ્લી-સાબરકાંઠા જિલ્લાની સરહદી વિસ્તારોમાં ભૂંડનો અસહ્ય ત્રાસ વધતા, પાક બચાવવા ખેડૂતો રાત્રીના સમયે ઉજાગરા કરવા પડી રહ્યા છે.
સાબરકાંઠા જિલ્લાના આંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં એરંડા, મકાઈ, બટાકા, તુવેર, વરિયાળી, પપૈયા અને ઘઉં જેવા પાકોનું મોટાપાયે થયેલા વાવેતરમાં ભૂંડના ટોળા દ્વારા રાત્રીના સમયે ખેતરમાં ઘૂસી ખેતરના ઊભા પાકનું નિકંદન કાઢી નાખતા પાકના નુકસાન સામે ખેડૂતોએ રાત-દિવસ ચોકી પહેરો ભરી ખેતરો પર રખેવાળી કરવા ભૂંડ ચોકી બનાવી પોતાના ખેતીપાકને બચાવવા સરહદી સૈનિકોની જેમ ખેતરના પેઢાની સરહદે રખેવાળી કરવાની ફરજ પડી છે.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર, ઈડર, વડાલી, વિજયનગર, પોશીના તાલુકાના ડુંગરાળ ગ્રામ્ય વિસ્તારોમાં રવિ પાક તૈયાર થતાં ભૂંડના ટોળેટોળા ડુંગરોના જંગલોમાંથી ઉતરી પડી, ઉભા ખેતરમાં ફરી વળતાં પાકનો સફાયો કરી નાખે છે. આ અંગે ખેડૂત મુકેશભાઈ પટેલ જણાવે છે કે રાતના સમયે આવતા ભૂંડના આ ટોળા એકાદ બે વીઘાના પાકને ઘડીકભરમાં સફાચટ કરી પાકનો સફાયો કરી નાખે છે. દિવસ દરમિયાન પણ ભૂંડના ટોળા ખેતરોમાં ફરતાં નજરે પડ્યા છે. ભૂંડના રોજિંદા ત્રાસ સામે ખેતીના ઉભા પાકને બચાવવા શિયાળાની કડકડતી ઠંડીમાં રાત્રિના અંધકારમાં ખેતરના સેઢા પર પોલીસ ચોકીઓની જેમ લાકડાના કઠેરા પર રખેવાળી માટે ભૂંડ ચોકીઓ બનાવી રાત્રે સૈનિકની જેમ પાકનું રખેવાળું કરવા ખેડૂતો રાત્રે ઉજાગરા કરી રહ્યા છે. આ ભૂંડના ટોળા ખેડૂતોને બારેમાસ પાકનું નિકંદન કાઢી નાખતા ખેતી પાક પાછળ કરેલ બિયારણ, દવા-ખાતર, પાણી સહિતના ખર્ચ સામે ભારે નુકસાન સહન કરવાની નોબત આવી છે.
છેલ્લા કેટલાક સમયથી શહેરોમાં ભૂંડોની સંખ્યા વધતા શહેરોમાં ભૂંડો ને પકડી તેને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં છોડી દેવાતા ભૂંડના ટોળા ખેડૂતોના ખેતરોના સીમાડામાં કાયમી વસવાટ કરી બારેમાસ ખેતી પાકને ભારે નુકસાન કરતા હોય છે.