અરવલ્લી જિલ્લા કલેક્ટર કચેરીના વિવિધ જગ્યાએ પાનની પીચકારીઓ
જિલ્લા સેવા સદનની લિફ્ટ માં પણ પાનની પીચકારીઓ અને ગંદકી
શૌચાલયોમાં પણ દુર્ગંધથી અરજદારો ત્રસ્ત
અરવલ્લી જિલ્લા પંચાયત ખાતે પણ આવી જ સ્થિતિ
આરોગ્ય વિભાગની શાખા નજીક ઠેર-ઠેર પાનની પીચકારીઓ
અધિકારીઓ સિવાય કોણ પાનની પીચકારીઓ મારતું હશે!
CCTV કેમેરા હોવા છતાં, કેમ કોઈ જ કાર્યવાહી નહીં ?
2 ઓક્ટોબરના રોજ કરાયેલા ફોટો સેશનથી અનેક સવાલો
અધિકારીઓ જિલ્લા સેવા સદન અને જિલ્લા પંચાયતમાં સ્વચ્છતા અભિયાન ચલાવશે ?
અરવલ્લી જિલ્લામાં ગાંધી જ્યંતિ ના દિવસે ફોટો ગ્રાફી માટે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ત્યારબાદ હવે તમામ શ્રમયોગી ખોવાઈ ગયા હોય તેવું લાગે છે. 2 ઓક્ટોબર, 2023 ના રોજ સ્વચ્છતા હી સેવા અંતર્ગત સાફ સફાઈનો કાર્યક્રમ મોડાસા ખાતે યોજવામાં આવ્યો હતો. મોડાસા મહાલક્ષ્મી ટાઉન હોલ ખાતે યોજવામાં આવેલા સ્વચ્છતા હી સેવા કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, મોડાસા નગર પાલિકાના અધિકારીઓ તેમજ મંત્રી સહિતના ભાજપ સંગઠનના હોદ્દેદારો જોડાયા હતા. હવે તમામ શ્રમયોગી જાણે ગાયબ થઈ ગયા હોય તેવું લાગે છે.
અરવલ્લી જિલ્લા કલેક્ટર અને જિલ્લા પંચાયત ખાતે ઠેર ઠેર પાનની પીચકારીઓ જોવા મળી રહી છે. એટલું જ નહીં કલેક્ટર કેચરીની લિફ્ટમાં જાણે પાનની પીચકારીઓ મારીને કથ્થઈ કલર કરી દીધો હોય તેવું લાગે છે. 2 ઓક્ટોબરના રોજ કરવા ખાતર સાફ-સફાઈ કરીને સરકારને દેખાડો કરવાનો પ્રયાસ કરાતો હોય છે, પણ સામાન્ય દિવસોમાં સાફ-સફાઈ કરો તો સાચું શ્રમદાન કહેવાય. પણ આવું ત શક્ય જ નથી કારણ કે, અધિકારીઓને તો સમય જ હોતો નથી. સરકાર આદશે કરે, તો નાછૂટકે કરવો પડતો હોય છે.
અરવલ્લી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા નજીક ઠેર-ઠેર પાનની પીચકારીઓ મારેલી જોવા મળે છે. અહીં અધિકારીઓ ચેમ્બરમાં બેસીને મસાલા ચાવતા હોય છે, પછી બહાર આવીને પાનની પીચકારી મારીને ફરીથી ચેમ્બરમાં જતા રહે છે. જિલ્લા પંચાયતમાં ઠેર-ઠેર કેમેરા લગાવેલા છે, છતાં નજર નાખવામાં આવતી નથી. નઘરોડ તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ પાનની પીચકારીઓ મારતા ઝડપીને મેમે ફટકારવો જોઈએ, તો સીધા થાય, બાકી તો પાનની પીચકારી મારીને આખી જિલ્લા પંચાયતનો આ અધિકારીઓ રંગ બદલી નાખે, તો નવાઈ નહીં.
આ બાજુ અરવલ્લી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પણ ઠેર ઠેર આવી જ સ્થિતિ જોવા મળે છે. શૌચાલયોની હાલત ખૂબ જ દયનિય છે, તો કલેક્ટર કચેરીની લિફ્ટ પણ પાનની પીચકારીઓથી રંગાઈ ચૂકી છે. અહીં જિલ્લા સમાહર્તાની દેખરેખ હેઠળ અધિકારીઓ કામ કરતા હોય છે, જોકે અહીં, પણ કોઈ જ ધ્યાન ન અપાતું હોય તેવું સ્પષ્ટ લાગે છે. 2 ઓક્ટોબરના દિવસે જે અધિકારીઓ, નેતાઓ સ્વચ્છતા સેવામાં જોડાયા હતા, તે તમામને જિલ્લા સેવા સદન અને જિલ્લા પંચાયતની સાફસફાઈમાં લગાડવા જોઈએ, તો જ ગાંધી બાપૂને સાચી શ્રદ્ધાંજલી હોઈ શકે. બાકી, તો ગાંધીજી પણ મનોમન બોલતા હશે કે, હે રામ….