સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં ચાર દિવસ પહેલાં સાત વર્ષની બાળકીને વ્યાજખોરોએ તેમના નાણાની વસૂલાત માટે વેચી દીધી હોવાની ઘટના બની હતી, જેમાં આજે એક મોટો ઘટસ્ફોટ થયો છે. જેમાં જાણવા મળ્યું છે કે, બાળકીના પિતાએ જ પોતાના ભત્રીજા અને અન્ય સગાઓ સાથે મળીને બાળકીનો સોદો કર્યો હતો. બાળકી શાળાએ ન જતાં શિક્ષકને શંકા ગઈ અને માતાની પૂછપરછ કરતાં ગભરાયેલી માતાએ સમગ્ર ઘટના જણાવી હતી.
આ સમગ્ર પોલીસ તપાસમાં કંઈક અલગ જ બહાર આવ્યું હતું. જેમાં આબ સમગ્ર મામલો પાંચ મહિના પહેલાં બન્યો હતો, જેમાં બાળકી શાળાએ નહિ જતાં શાળાના શિક્ષકે તેના ઘરે પૂછપરછ કરી હતી. જેથી બાળકીની માતા ગભરાઈ ગઈ હતી અને કોર્ટમાં અરજી કરી હતી. જે અરજી આધારે ફરિયાદ નોંધાઇ હતી.
બાળકીના પિતાએ જ અન્યની મદદથી રાજસ્થાનના અલવરમાં રૂપિયા ચાર લાખમાં બાળકીનો સોદો કર્યો હતો. જે બાળકીને હાલ પોલીસે પરત લાવી દીધી છે અને મેડિકલ તપાસ હાથ ધરી છે. પોલીસે આ પ્રકરણમાં ચાર આરોપીની ધરપકડ કરી છે, જ્યારે બાળકીનો પિતા અને બાળકી લેનારની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.
જિલ્લા પોલીસવડાએ શું કહ્યું?
આ અંગે સાબરકાંઠા જિલ્લા પોલીસવડા વિજય પટેલે જણાવ્યું હતું કે, 18 ડિસેમ્બર 2024એ કોર્ટની એક ક્રિમિનલ પરચૂરણ અરજીના આધારે હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બાળ તસ્કરીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં સાત વર્ષની બાળકીને એના જ સંબધીઓએ રાજસ્થાનમાં એક દંપતીને દત્તક આપી હોવાનું જાણવા મળ્યું હતું.
‘બાળકીને દત્તક આપીશું તો ચાર લાખ રૂપિયા મળશે’
હિંમતનગરના સાબરડેરી પાસે બાળકીના માતાપિતા એમના ભત્રીજા સાથે ઝુંપડામાં રહેતા હતા. બાળકીના પિતા સાથે રહેતા ભત્રીજા દિલીપભાઈ નટને રૂ 1.60 લાખનું દેવું થઇ ગયું હતું. જેથી તે આ પૈસા આપવાની જગ્યા ઘરેથી ભાગી ગયો હતો. પાંચ મહિના પહેલાં બીજો ભત્રીજો અર્જુન વિજયભાઈ નટ બાળકીના માતાપિતા પાસે વાત લઈને આવ્યો હતો કે, આપણી બાળકીને જો કોઈને દત્તક આપીશું તો ચાર લાખ રૂપિયા જેવી માતબર રકમ મળશે. જેનો બાળકીની માતાએ વિરોધ કર્યો હતો પરંતુ, પિતાએ સમંતિ દર્શાવી હતી.
પિતાની સમંતિ બાદ ભત્રીજા અર્જુન નટે લખપતિ નટ, શ્રવણ નટ, રમણ નટ, શરીફા નટ બધાને ભેગા કરી સમગ્ર વાત કરી અને ભેગા મળીને રાજસ્થાનના અલવર ખાતે ઉમેદસિંગ નટને રૂ ચાર લાખમાં બાળકી દત્તક આપી હતી. એ ચાર લાખ રૂપિયા લઈને બધાએ ભેગા મળી નક્કી કર્યા મુજબ રૂપિયાની વહેંચણી કરી હતી.
શરૂઆતમાં આ મામલો પાંચ મહિના સુધી ક્યાંય બહાર આવ્યો ન હતો, પરતું ધીમે ધીમે બાળકીએ શાળાએ જવાનું બંધ કર્યું એટલે શાળાના શિક્ષકે એની નોંધ લીધી અને બાળકીની પૂછપરછ કરી હતી. જેથી બાળકીની માતા ગભરાઈ હતી. ત્યાર બાદ માતાએ કોર્ટમાં અરજી કરાવી, જેને લઈને સમગ્ર મામલો બહાર આવ્યો હતો. આ સમગ્ર મામલામાં છ આરોપી છે, જેમાં ચારની ધરપકડ કરી છે. આ કેસમાં બાળકીનો પિતા પણ બાળતસ્કરીનો આરોપી છે.
પિતા સહિત તમામ આરોપીઓએ રૂપિયા વહેંચી લીધા
ચાર લાખમાં બાળકીનો સોદો કર્યો હતો. જે ચાર લાખ રૂપિયા સૌપ્રથમ બાળકીના પિતાએ લીધા હતા, પછી ચાર લાખમાંથી રૂ.1.60 લાખ એનો ભત્રીજો દિલીપ કે જેનું દેવું થઇ ગયું હતું એને આપવામાં આવ્યા હતા. સોદો કરાવનારા અર્જુન નટને રૂ 30 હજાર આપવામાં આવ્યા હતા. જેમાં બાળકીને લઈ ગયા હતા તે ઇકો કારનું ભાડું ગાડીચાલક લખપતિ નટને રૂ 20 હજાર આપવામાં આવ્યા હતા. આ રીતે પૈસાની વહેંચણી કરવામાં આવી હતી. બાળકીના પિતાને તમામ વાતની ખબર હતી અને તેણે જ આ બાળકીનો સોદો કર્યો હતો.
પકડાયેલા આરોપીઓ
1.અર્જુનઇ વિજયભાઈ નટ (રહે.હજીરા પેટ્રોલ પંપની પાછળ, ઝૂંપડપટ્ટી, મોડાસા જિ.અરવલ્લી)
2.શરીફા જોઈતાભાઈ નટ (રહે.હજીરા પેટ્રોલ પંપની પાછળ, ઝૂંપડપટ્ટી, મોડાસા જિ.અરવલ્લી)
3.લખપતિ નટ (રહે.દેવાગામ, તા.બાલાસિનોર જિ.મહીસાગર)
4.શ્રવણ મોહનભાઈ નટ (રહે.અણદાપુર તા.મોડાસા,જિ.અરવલ્લી
પકડવાના બાકી આરોપી
1.બાળકીના પિતા
2.ઉમેદસિંગ નટ (રહે.અકબરપુરા જિ.અલવર રાજસ્થાન)