અદાણી ગેસ લખેલ ટ્રકમાંથી વિદેશી દારૂ પકડી પાડતી શામળાજી પોલિસ, ચાલક ફરાર !!!
થર્ટી ફર્સ્ટને લઇને ગુજરાતમાં દારૂ ઘુસાડવા બુટલેગરો બેફામ બની ગયા છે, ત્યારે અરવલ્લી જિલ્લા પોલિસ સક્રિય બની છે. ગુજરાતની આંતરરાજ્ય સીમા પર અરવલ્લી પોલિસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. રતનપુર આંતરરાજ્ય સીમા પર શામળાજી પોલિસ દ્વારા સઘન ચેકિંગ કરીને, આવતા-જતાં વાહનોની તપાસ કરીને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. આ વચ્ચે શંકાસ્પદ વાહનોની તપાસ દરમિયાન, પોલિસે અદાણી ગેસ લખેલ ટ્રકમાંથી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. પોલિસે અદાણી ગેસ લખેલ ટ્રકમાંથી કુલ 21.91 લાખનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો.
અરવલ્લી જિલ્લા પોલિસ વડા શૈફાલી બારવાલ ની કડક સૂચનાથી વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા શંકાસ્પદ વાહનોનું સઘન ચેકીગ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં થઈ રહ્યું છે. આ સમય દરમિયાન શામળાજી પોલિસ સ્ટેશન પીઆઈ કે.ડી.ડીડોર તથા પો.સ.ઇ જી.આર.ચૌધરી, પો.સ.ઇ એન.એસ.બારા પોલીસ સ્ટાફના માણસો સાથે અણસોલ પોલીસ ચેક પોસ્ટ ખાતે ગુજરાતમાં દારૂનો તેમજ બીજી ગેરકાયદેસર ચીજવસ્તુનો પ્રવેશ ન થાય તે સારૂ રાજસ્થાન તરફથી આવતા શંકાસ્પદ લાગતા નાના તેમજ મોટા વાહનોની ચેકીંગની કામગીરી કરતા હતા. આ સમય દરમિયાન ટાટા કંપનીની ટ્રક ગાડી નંબર GJ-01-HT-2479 ની આવતા તેને ઊભી રાખી તપાસ કરવામાં આવી હતી. ટ્રકના આગળના ભાગે અદાણી ગેસ લખેલું હતું, અને ટ્રક ગાડીની બોડીમાં જોતા ચોરસ આકારમાં મોટુ ગેસની બોટલો ભરવાનું બોકસ હતું. પોલિસને આ બોક્સ શંકાસ્પદ લાગતા બોકસ ઉપર પતરાની પ્લેટ મારેલ હોય અને નટબોલ્ટથી ફીટ કરેલું હતું, જેને ખોલી અંદર તપાસ કરતા દારૂનો જથ્થો નિકળતા પોલિસ ચોંકી ઉઠી હતી.
શામળાજી પોલીસે ટાટા કંપનીની ટ્રક ગાડી નંબર GJ-01-HT-2479 માંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ- 423 પેટી મળી હતી, જેમાં કુલ બોટલ/ક્વાટર/ટીન નંગ-11328, કુલ કિ.રૂ. 21,91,560/-નો પ્રોહી મુદ્દામાલ તથા ટ્રક ગાડી મળી કૂલ કિંમત રૂપીયા 29,91,560/- નો મુદ્દામાલ કબજે કર્યો હતો.