દરવર્ષની જેમ આ વર્ષે પણ નાનો વેપારી પોલિસના હાથે લાગ્યો, મોટા માથા સુધી પહોંચશે કે પછી….
મોડાસા ટાઉન પોલિસ ચાઈનીઝ દોરીની ફીરકીઓના સપ્લાયર સુધી પહોંચે તે પણ જરૂરી
ચાઈનીઝ દોરીનો જથ્થો ક્યાંથી આવ્યો તે દિશામાં તપાસ જરૂરી
દર વર્ષની જેમ આ વર્ષે પણ કેસ કરવા ખાતર રહી જશે કે શું ?
અંકિત ચૌહાણ/જય અમીન
ઉત્તરાયણ આવતા જ અરવલ્લી જિલ્લા પોલિસ સક્રિય બની છે અને ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા ઈસમને ઝડપી પાડવામાં સફળતા મળી છે. અરવલ્લી જિલ્લા પોલિસે ચાઈનીઝ દોરીનો પ્રથમ કેસ કરતા હવે, ચાઈનીઝ દોરીનું વાચાણ કરતા, શખ્સોમાં ફફડાટ વ્યાપી ગયો છે. મોડાસા ટાઉન પોલિસની ટીમે ધોબીઢાળ વિસ્તારમાંથી ચાઈનીઝ દોરીની ફિરકીઓ સાથે એક ઈસમને દબોચી લીધો છે.
પ્રતિબંધિત ચાઈનીઝ દોરી સતત વેચાણ થતું રહે છે. ખાસ કરીને ઉત્તરાયણ આવતા જ ચાઈનીઝ દોરીનો જથ્થો પોલિસ પકડી પાડતી હોય છે. ચાઈનીઝ દોરીને કારણે પશુ-પક્ષીઓની સાથે-સાથે મનુષ્ય માટે પણ ચાઈનીઝ દોરી જીવલેણ સાબિત થતી હોય છે, જેથી તેના વેચાણ પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. આમ છતાં આવી દોરી ક્યાંથી આવે છે અને કોણ સપ્લાયર હોય છે, તેના સુધી પહોંચવા પોલિસના હાથ ટૂંકા પડી જતાં હોય છે. પણ મોડાસા ટાઉન પોલિસે આવી દોરીનો જથ્થો વેચાણ કરતા શખ્સને દબોચી લીધો છે.
અરવલ્લી જિલ્લા પોલિસ વડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ, મોડાસા ટાઉન પોલિસની ટીમ પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના વેચાણ કરતા વેપારીઓ સામે કડક કાર્યવાહીનો આદેશ કરતા, પોલિસ સક્રિય બની છે. મોડાસા ટાઉન પોલિસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમય દરમિયાન બાતમી મળી હતી કે, ધોબીઢાળ વિસ્તારમાં રહેતા યુનુસભાઇ ગુલામ મોહમદ વોરા પોતાના ઘરે ચાઇનીઝ દોરીની ફીરકીઓ રાખી ખાનગી રાહે વેચાણ કરે છે. મોડાસા ટાઉન પોલિસની ટીમે ોબાતમી મળતા, ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા ઈસમને ત્યાં પહોંચી હતી. પોલિસે ઘરની અંદર તપાસ કરતા, ટી.વી. મુકવાના કબાટમાં એક કંતાનના કોથળામાથી ગેરકાયેસર રીતે ચાઇનીઝ દોરીની ફીરકી મુકી રાખી હતી. પોલિસે તપાસ કરતા, તેના ઉપર /GLASS COATED NYLONTHRED/ માર્કો હતો. પોલિસે ફીરકીઓની ગણતરી કરતા 10 નંગ ફીરકી મળી આવી હતી, જેની કુલ કિંમત આશરે 5000 થવા પામતી. મોડાસા ટાઉન પોલિસે ફિરકી સહિતનો જથ્થો કબજે કરીને ભારતીય નાગરીક સંહીતા-2023 હેઠળની જોગવાઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
હાલ તો મોડાસા ટાઉન પોલિસે નાના ઈસમને પકડી પાડીને બાંયો ચઢાવી છે, જોકે મોટા માથાઓ સુધી પોલિસ પહોંચશે કે, પછી કેસ બંધ કરી દેવાશે તે એક સવાલ છે. અત્યારસુધીમાં પોલિસ માત્ર આવા નાના લોકોને પકડીને જ વાહવાહી લૂંટી છે, જોકે મોટા વેપારીઓ અને સપ્લાયર સુધી પહોંચે તે પણ જરૂરી છે.