ગુજરાતના ભરૂચ જિલ્લાના ઝઘડિયામાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટનાને લોકો ભૂલ્યા નથી. ત્યાં તો ભરૂચના આમોદથી વધુ એક હચમચાવી દેતી ઘટના સામે આવી છે. આ ઘટનામાં 35 વર્ષના યુવકે 71 વર્ષની વૃદ્ધા પર દુષ્કર્મ આચર્યું છે. આ ઘટનાના અહેવાલો સામે આવતાં ચોતરફ લોકો ધિક્કારની લાગણી વરસાવી રહ્યા છે.
ભરૂચના આમોદમાં હચમચાવી દે તેવી ઘટના
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના આમોદમાં એક 35 વર્ષના યુવકે 71 વર્ષની વૃદ્ધાને હવસનો શિકાર બનાવી છે. આમોદ પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ અનુસાર આરોપી શૈલેષ રાઠોડે ખેતરની વાડીમાં વૃદ્ધા પર દુષ્કર્મ આચરી પોતાની હવસનો શિકાર બનાવી હતી. આ અંગે ફરિયાદ નોંધતા ભરૂચ એલબીસી તથા એસોજીની ટીમ આરોપી શૈલેષ રાઠોડને પકડવા અલગ-અલગ ટીમો બનાવી આકાશ પાતળ એક કરી રહી છે.
ઉલ્લેખનીય છે આરોપી શૈલેષ રાઠોડે અગાઉ પણ દોઢ વર્ષ પહેલાં આ જ વૃદ્ધા પર દુષ્કર્મ આચર્યું હતું. જે અંગે પોલેસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી અને યુવકની ધરપકડ કરવામાં આવી હતી. જોકે આરોપી જામીન પર છૂટ્યો હતો, ત્યારે ફરી આરોપી શૈલેષ રાઠોડે આ જ વૃદ્ધા પર દુષ્કર્મ આચર્યું છે. આ ઘટનાને પગલે સ્થાનિક રહીશો ભારે રોષ અને ધિક્કાર વરસાવી રહ્યા છે.